અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે સવારે ગાંધીધામ તરફ જતી એક ટ્રેનમાં સુરતના એક પ્રવાસી દ્વારા જનરલ કોચમાં ચડવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક પગ લપસતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા. જોકે આરપીએફ જવાનની સમયસૂચકતા અને બહાદુરીને કારણે આ પ્રવાસીનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામ જવા માટે સુરત ખાતે રહેતા મહેન્દ્રભાઈ મહેતા ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા, તે દરમિયાન આ ટ્રેન અમદાવાદ પ્લેટફોર્મ નંબર-1 ઉપર આવી હતી ત્યારે મહેન્દ્રભાઈ ચા નાસ્તો કરવા ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા, તે દરમિયાન ટ્રેન અચાનક રવાના થતા મહેન્દ્રભાઈ દોડીને જનરલ કોચમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમનો પગ લપસતાં તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા.
આ સમયે પ્લેટફોર્મ પર ફરજ પરના આરપીએફ જવાનનું ધ્યાન જતા તેઓએ સર્તકતા દાખવીને બહાદુરીપૂર્વક દોટ મૂકી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા મહેન્દ્રભાઈને બળપૂર્વક બહાર સુરક્ષિત ખેંચી કાઢ્યા હતા. સદ્દનસીબએ સુરતના પ્રવાસી મહેન્દ્રભાઈ મહેતાને કોઈ મોટી ઇજાઓ થવા પામી નહોતી. આરપીએફ જવાની આ હિમતપૂર્વકની કામગીરીને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી.