SURAT

સુરત: ફી નહીં ભરતા શાળાએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું, કલેક્ટરને ફરિયાદ

સુરત: વેસુની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે (WHITE LOTUS INTERNATIONAL SCHOOL) છેલ્લા કેટલાક દિવસથી ફી નહીં ભરનારા વાલીઓનાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશનથી બહાર કરી નાંખતાં વિવાદ છેડાયો છે. કોરોનાને પગલે સમગ્ર વ્યવસ્થા તંત્ર સમેત ધંધા-રોજગાર પણ ઠપ્પ થઇ ગયા છે. કોરોનાને પગલે સેંકડો લોકોની હાલત ભયાનક થઇ છે. પરંતુ શાળા સંચાલકો વાલીઓની વેદના સમજતા નથી. કોરોના દરમિયાન બહાર આવેલા ઓનલાઇન એજ્યુકેશન કન્સેપ્ટ (ONLINE EDUCATION CONCEPT) ખરેખર બાળકો માટે ઉત્તમ વિકલ્પ હતો. પરંતુ ઓનલાઇન એજ્યુકેશનમાં પણ શાળાઓએ ફીની ઉઘરાણી ચાલુ કરી છે. જેને લઇને ઠેર ઠેર અનેક શાળાઓમાં વિવાદ વકરી રહ્યો છે.

ગુરુવારે વેસુની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઇન એજ્યુકેશનને લઇને મામલો બિચક્યો હતો. આ સ્કૂલ સામે અગાઉ પણ અનેક ફરિયાદો ઊઠી હતી. પરંતુ એજ્યુકેશનના નામે રોકડી કરવા નીકળેલા આ શાળાના સંચાલકોનું શિક્ષણ વિભાગ પણ કંઇ કરી શકતો નથી. જેના પગલે દિનબદિન આ સ્કૂલની દાદાગીરી વધી ગઇ છે. પહેલી જાન્યુઆરીથી આ સ્કૂલે નફ્ફટાઇપૂર્વક કેટલાંક બાળકોને ઓનલાઇન એજ્યુકેશનથી બહાર કરી નાંખ્યાં છે. વાલીઓએ આ અંગે ફી રેગ્યુલેટરી કમિટી (FEE REGULATORY COMMITTEE) ને ફરિયાદ કરી હતી. તેમ છતાં આ સ્કૂલનાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશન સાથે કનેક્ટ કરાયા નથી.

ફી રેગ્યુલેટરી કમિટી શોભાના ગાંઠિયાસમાન, સંચાલકોને કાગળ પાઠવી સંતોષ માન્યો
વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલ સામે ફીના નામે વિવાદ ઊઠ્યા બાદ વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટી પાસે ગયા હતા. વાલીઓ આ ઓથોરિટી પાસે ન્યાય મળે તેવી આશા રાખી હતી. પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ પણ ઔપચારિકતા ખાતર સંચાલકોને કાગળ લખી (WRITE LETTER) વાત પતી ગઇ હોવાનું માન્યું હતું. વાસ્તવમાં આ કમિટીએ શાળા સામે કડક પગલાં ભરવા જોઇએ.

કલેક્ટરે પણ 28 જાન્યુઆરીની મુદત આપતાં વાલીઓ સલવાયા
વ્હાઇટ લોટસ સ્કૂલ સામે વાલીઓની ફરિયાદ બાદ ફી રેગ્યુલેટરી કમિટી પણ હાથ ઉપર હાથ જોડી બેસી રહેતાં આ સ્કૂલની દાદાગીરી વધી ગઇ છે. સ્કૂલ સામે પગલાં ભરવા અને ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કરાવવા માટે વાલીઓ કલેક્ટર (DISTRICT COLLECTOR) પાસે ગયા હતા. કલેક્ટરે પણ આ સ્કૂલ સામે વાલીઓને સાંભળવા માટે 28 જાન્યુઆરીની તારીખ આપતાં વાલીઓ અકળાયા છે. આટલા દિવસ દરમિયાન બાળકોનું ઘણું શિક્ષણ ખોરવાઇ જશે તેવી દહેશત વ્યક્ત કરાઇ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top