સુરત : હજીરા નજીકના મોરાગામમાં આવેલી શિવશક્તિ નગર સોસાયટીમાં હિન્દુ વ્યક્તિના નામે મકાન લીધા બાદ તે મકાનના કાગળો મુસ્લિમના નામે તબદીલ કરી દઇ ત્યાં મસ્જિદ બનાવી દેવાના પ્રકરણને ટ્રીબ્યુનલમાં પડકારવાની હિન્દુ સંગઠનો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. એક્તા એજ લક્ષ સંગઠન દ્વારા આ મુદ્દે સુરત શહેર સહિત સમગ્ર દ.ગુજરાતમાં ધારાસભ્યોને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સોસાયટીના એક મકાનમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનું સોસાયટીના રહીશોને ધ્યાને આવ્યા બાદ હોબાળો થયો હતો. ઇચ્છાપોર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી જ્યાં સોસાયટીના રહીશોએ હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બહારથી આવતા લોકો ઉપર રોક લગાવવાનું કહેતા મામલો શાંત પડ્યો હતો.
મોરાગામની શિવશક્તિ નગર સોસાયટીમાં હિન્દુ પરિવારો રહે છે ત્યારે સોસાયટીના પ્રમુખ અને રહીશોની જાણ બહાર સોસાયટીના એક મકાનમાં બહારથી મુસ્લિમ લોકો આવીને નમાઝ પઢવા લાગતા વિવાદ ઉભો થયો છે. ગઇ તારીખ 16 જાન્યુઆરીના રોજ આ મુદ્દો એક્તા એજ લક્ષ સંગઠનને ધ્યાને આવતા સંગઠનના કાર્યકરોએ શિવશક્તિ નગર પહોંચી હનુમાન ચાલીસા શરૂ કરી હતી. જે-તે સમયે મસ્જિદના સંચાલકો દ્વારા સમાધાન લખી અપાયું હતું. જોકે ત્યારબાદ એવું ધ્યાને આવ્યું હતું કે બે માળના મકાનમાં ઇબાદત ખાનું-મસ્જિદ માટે ગઇ તા.7-9-2020ના રોજ વકફ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવાયું હતું. હિન્દુ વસતિ ધરાવતી રહેણાંક સોસાયટીમાં મસ્જિદ બનાવી દઇ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે એક જ જગ્યા ઉપર 200થી 300 લોકો એકત્ર થવાને કારણે હિન્દુ સંગઠનોએ શાંતી પુર્ણ રીતે મસ્જિદના મૌલવી સહિત સંચાલકોને સમજાવ્યા હતા. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ટોળુ એકત્ર ન થાય તેની કાળજી રાખવાનું જણાવતા પોલીસની હાજરીમાં બીજી વખત પણ સમાધાન થઇ ગયું હતું. જોકે હિન્દુ સંગઠનો દ્વારા વકફ બોર્ડમાં પ્રાઇવેટ પ્રોપર્ટી અને તે પણ હિન્દુ વસતિ ધરાવતી રહેણાંક સોસાયટીમાં કોઇને વિશ્વાસમાં લીધા વગર મસ્જિદ બનાવી દેવાના મુદ્દે હવે સુરત શહેર જિલ્લામાં ધારાસભ્યોને રજુઆત કરી આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવા રજુઆત કરવામાં આવશે.
હજીરા વિસ્તારમાં ગૌ સેવાનું કામ કરતા શશી આહીરે જણાવ્યું હતું કે, વકફ બોર્ડમાં મકાન મસ્જિદ માટે રજિસ્ટ્રેશન થઇ ગયું છે તે ખબર જ નહીં હતું. અમે તો સામાન્ય ઘર સમજતા હતા. સોસાયટીની પરમીશન કે ગ્રામ પંચાયતની પરમિશન લેવાઇ નથી. 8 મહિના પહેલા સોસાયટીવાળાએ નમાઝ પઢવાનું બંધ કરાવ્યું હતું. અંકલેશ્વર, મરોલી તેમજ રાંદેર વિસ્તારમાંથી પણ લોકો નમાઝ પઢવા માટે અહીં એકત્ર થાય છે ત્યાં પણ તો મસ્જિદ હશે જ તો પછી અહીં શા માટે ટોળા ભેગા કરવામાં આવે છે.
પહેલા તો આ મકાન મુસ્લિમ પરિવારે લઇ લીધું છે તે અંગે પણ જાણ ન હતી. થોડા વર્ષ પહેલા સરપંચને જાણ થતા જે-તે સમયે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને તેની પાસે લખાણ પણ કરાયું હતું. ત્યારે સ્ટેમ્પ પેપર ઉપર તેણે લખાણ કરી આપ્યું હતું. જે વ્યક્તિએ સોસાયટીના મકાનની જગ્યાને મસ્જિદ માટે વકફ બોર્ડમાં આપી દીધી હતી તેના પુત્રને પણ આ બાબતે જાણ ન હતી. હાલ ફરી વખત હોબાળો થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. અને ફરી વખત એવું લખાણ કરાવાયું છે કે, જે મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે તે સભ્યોને જ નમાઝ પઢવા દેવામાં આવશે.
11 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતના 33 જિલ્લાના 47 મામલતદાર તેમજ કલેક્ટરને વકફ બોર્ડનો કાયદો રદ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 16 જાન્યુઆરીએ અમને જાણ થઇ હતી કે હજીરાની એક સોસાયટીના ઘરમાં નમાઝ પઢવામાં આવે છે. બે ત્રણ દિવસ પહેલા ત્યાં પહોંચીને હનુમાન ચાલીસા ચાલુ કરીને નમાઝ બંધ કરાવી હતી. તે દિવસે સમાધાન થઇ ગયું હતું. હિન્દુ રહેણાંક સોસાયટીમાં મસ્જિદ બનાવી દેવાઇ તે ખોટું છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ અરજી અપાઇ હતી. વકફ બોર્ડનો કાયદો એક તરફી અને બંધારણની વિરૂદ્ધનો છે. બીજા સંપ્રદાયને નુકશાન કરતો કાયદો છે. આ કાયદો રદ કરવા માટે ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવે તેવી આગામી સમયમાં સુરત સહિત સમગ્ર દ.ગુજરાતમાં ધારાસભ્યોને રજુઆત કરવામાં આવશે. કેટલાક હિન્દુઓ પણ રૂપીયાની લાલચમાં અન્ય ધર્મના લોકોને પ્રોપર્ટી વેચી દેતા હોય છે. તેને કારણે પણ આવા ઇસ્યુ ઉભા થતા હોય છે.