સુરતના ગોડદારામાં એક શિક્ષકનો મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ગેસના ગોડાઉનમાં લઇ ગયા બાદ ત્યાં નાયલોનની દોરીથી ફાંસો આપી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરનારા ચાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસની વિગત મુજબ સને-2015ના અરસામાં રાઉસાહેબ સખારામ પાટીલનો પુત્ર ગોડાદરાની શાળામાં અભ્યાસ કરતો હતો. આ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા રવિન્દ્ર પંડિત પાટીલ અને રાઉસાહેબની પત્ની વચ્ચે સંબંધ હોવાનો વહેમ રાઉસાહેબને હતો. જેને લઇને રાઉસાહેબ અને રવિન્દ્ર પાટીલની વચ્ચે માથાકૂટ થઇ હતી.
બીજી તરફ રાઉસાહેબે તેના મિત્રો હિલાલ પાટીલ, હરીન્દર માર્કન્ટ રાજભર અને રામચંદ્ર ઉર્ફે ગાવઠી હિંમત પાટીલને બોલાવીને રવિન્દ્રની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. દરમિયાન ગત તા. 11-6-2015ના રોજ રાત્રીના સમયે રવિન્દ્ર પંડીતને ગોડાદરાના વિસ્તારમાં આવેલા એક ગેસ ગોડાઉનમાં બોલાવાયો હતો. ત્યાં રવિન્દ્રને પહેલા નાયલોનની દોરીથી ફાંસો આપ્યા બાદ તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકીને હત્યા કરી નંખાઇ હતી. બાદમાં ચારેય આરોપીઓએ રવિન્દ્રની લાશને ગોડદરા રેલવે ફાટક પાસે ફેંકી દીધી હતી અને તેની મોટરસાઇકલ બીજી જગ્યાએ મુકી દીધી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે કડોદરા જઇને કપડા બદલી નાંખ્યા હતા.
બીજી તરફ ગોડદરા રેલવે ફાટક પાસેથી પસાર થતા મૃતકના ભત્રીજાને જાણ થતા તેઓએ પરિવારને જાણ કરી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધીને ભાઉસાહેબ અને તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે મુળ ફરિયાદી તરફે વકીલ સિદ્ધાર્થ કટિયારે તેમજ ધર્મિષ્ઠા પટેલ ઉપરાંત સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી. કોર્ટમાં આરોપીઓએ કરેલા હત્યાના પ્લાન અને તેના સાંયોગીક પુરાવાને રજૂ કરાયા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચારેય આરોપીઓને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.