સુરત(Surat): ગુજરાત (Gujarat) રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) કૌટુંબિક કાકાની હત્યા થતા મામલો ગરમાયો છે. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં મારામારી થતા થયેલી ઇજાના કારણે તેઓનું મોત (Dead) થયું હોવાનું જાણવા મળ્યું છે. અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકાનો લીફ્ટમાં તેમના પડોશી બોની કમલેશ મહેતા સાથે ઝઘડો થયો હતો. બોનીએ તેઓને મોંઢા પર ફેંટ મારી દેતા સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
- અડાજણ પાટિયા ખાતે રહેતા ગૃહમંત્રીના કાકાનો લીફ્ટમાં ઝઘડો થતા પડોશીએ ફેંટ મારી હતી
- નાકની નસકોરી ફૂટી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા
- વહેલી સવારે સારવાર દરમિયાન મોત થતા સુરત પોલીસ દોડતી થઈ
અડાજણ પાટીયા સ્થિત રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી ગત રાત્રે રહેણાંક એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. લિફ્ટમાં અવર-જવરને લઈ પડોશી બોની કમલેશ મહેતા પણ હતા અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. પડોશી બોની કમલેશ મહેતાને ગુસ્સો આવતાં વૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી દીધી હતી જેના કારણે શાંતિલાલ સંઘવીની નાકની નસકોરી ફૂટી જતા તેમને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરી, એસીબી ઝેડ.આર. દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધવ્યો હતો. રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે. ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યાને પગલે શહેરમાં રાજકીય સામાજીક રીતે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા છે.