સુરત: નાનપુરા (Nanpura) ખાતે એકલાં રહેતાં માતા-પુત્રીને (Mother-Doughter) સામેના ફ્લેટમાં રહેતા યુવકે તથા તેની પ્રેમિકાએ મારવાની ધમકી (Threat) આપી હતી. તેમની ફ્લેટની સામે કબાટ મૂકી પરેશાન કરતાં હતાં. અને યુવતી તથા તેની માતા બોલવા માટે જાય એટલે ગાળો આપી તેમની ઉપર કૂતરું છોડી દેતાં હતાં. આ અંગે અઠવા પોલીસે ફરિયાદ (Police Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- ‘તમે મા-દીકરી એકલાં રહો છો, તમને મારીને જતો રહીશ, મારું કંઈ બગાડી નહીં શકો’ તેવી ધમકી આપી
- કબાટ ખસેડવાનું કહેતાં એકલાં રહેતાં માતા-પુત્રી ઉપર પડોશીએ કૂતરું છોડી દીધું
- રાધીકાબેન તેમના ઘરની લાઈટ ચાલુ કરતા ત્યારે જિગર તેમની સાથે ઝઘડો કરતો હતો અને તેમનું કૂતરું રાધીકાબેન ઉપર છોડી દેતા હતા.
- અઠવા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી
નાનપુરા ખાતે હિતેશ એપાર્ટમેન્ટમાં રહેતી રાધીકા વિનોદકુમાર ખન્ના સોફ્ટવેર એન્જિનિયર છે. ગત 2 મેના રોજ રાધીકા અને તેની માતાએ ફ્લેટના મુખ્ય દરવાજા આગળ લાકડાની જાળીવાળો સિક્યુરિટી દરવાજો બનાવવા સુથારને બોલાવ્યો હતો. તેમના ફ્લેટ સામે જિગર ખરાડીએ બે વર્ષથી લાકડાનો કબાટ મૂકી રાખ્યો હતો. આ કબાટ અવારનવાર કહેવા છતાં હટાવ્યો ન હતો. જેથી સુથારી કામ કરવાનું હોવાથી કબાટ ત્યાંથી ખસેડી બીજી જગ્યાએ મૂકી દીધો હતો. સાંજે જિગરે સુથારને ફોન કરીને રાધીકાને ગાળો આપી હતી.
રાધીકાની માતાએ ગાળો આપવાની ના પાડતાં ઘરમાં ઘૂસી આવી ધક્કો માર્યો હતો. અને તમે મા-દીકરી બંને એકલાં રહો છો. તમે લોકો મારું કશું બગાડી ના શકો. હું તમને માર મારીને પણ ચાલ્યો જઈશ તો પણ તમે લોકો મારું કંઈ બગાડી નહીં શકો તેવી ધમકી આપી હતી. પડોશી મહિલા રાધીકાના સપોર્ટમાં આવતાં જિગરે માફી માંગી લઈ બે દિવસમાં કબાટ ખસેડી લઈશ તેવું કહ્યું હતું. પરંતુ આજદિન સુધી કબાટ ત્યાં જ મૂકી રાખ્યો છે. રાત્રે રાધીકાબેન તેમના ઘરની લાઈટ ચાલુ કરતા ત્યારે જિગર તેમની સાથે ઝઘડો કરતો હતો. અને તેમનું કૂતરું રાધીકાબેન ઉપર છોડી દેતા હતા. જેથી અંતે રાધીકાએ અઠવા પોલીસમાં જિગર અશોક ખરાડી અને હેતલ પ્રવીણ પટેલ (બંને રહે., હિતેશ એપાર્ટમેન્ટ, નાનપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.