SURAT

સુરતમાં દિન દહાડે રિક્ષાચાલક ટોળકીએ વિધવાએ પિતાને સાચવવા આપેલા લાખોના દાગીના લૂંટી લીધા

સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા પિતા (father)ને સાચવવા માટે આપ્યા હતા. મરણક્રિયા કરીને સુરત (Surat) આવેલા વિધવાના પિતાને વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે રિક્ષાચાલક ટોળકીએ આંતરી માર મારીને લૂંટી લીધા હતા. બનાવ અંગે વરાછા પોલીસે (varachha police) ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઇ ઉકાભાઇ કાનાણી નિવૃત જીવન જીવી રહ્યા છે. તેમની પુત્રી બીનાબેનના લગ્ન મુળ અમરેલી જિલ્લાના કમીગઢ ગામના વતની લલીતભાઇની સાથે થયા હતા. આ દરમિયાન તા. 10-09-2021ના રોજ લલીતભાઇનું અવસાન થયું હતું, તેમની અંતિમવિધી તેમજ અન્ય વિધીમાં હસમુખભાઇએ હાજરી આપી હતી. બીનાબેન અને લલીતભાઇએ ભેગા કરેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા. 50 હજાર સાચવવા માટે કોઇ ન હતું. જેથી બીનાબેનએ દાગીના અને રોકડ પિતા હસમુખભાઇને એક બોક્સમાં મુકીને સાચવવા માટે આપ્યા હતા. હસમુખભાઇ આ દાગીના લઈને સુરત આવ્યા હતા.

સવારે સાડા છ વાગ્યાના અરસામાં હીરાબાગ પાસે ટ્રાવેર્લ્સમાંથી ઉતરીને તેઓ ચાલતા ચાલતા બરોડા પ્રિસ્ટેજ તરફ જતા હતા. આ દરમિયાન એક પોપટી કલરની પીળાપટ્ટાવાળી ઓટો રિક્ષા આવી હતી. રિક્ષામાં પાછળની સીટ ઉપર ત્રીસ વર્ષની ઉંમરના બે શખ્સો તેમજ એક મહિલા બેઠી હતી. હસમુખભાઇ આગળ ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા. રિક્ષા બરોડા પ્રિસ્ટેજ પાસે વેરહાઉસ પહોંચી ત્યારે રિક્ષાડ્રાઇવરે હસમુખભાઇને કહ્યું કે, આગળ પોલીસ છે, તમે પાછળ બેસી જાવ. ત્યારબાદ વરાછા કાળીદાસ ચોકડી પાસે રિક્ષામાં પાછળ બેઠેલા એક ઇસમે હસમુખભાઇને ચપ્પુ બતાવી કહ્યું કે, ‘તારી પાસે જે પણ હોય તે મને આપી દે, નહીતર જાનથી મારી નાંખીશ.’ રિક્ષા ડ્રાઇવરે પણ રિક્ષા સાઇડમાં ઊભી રાખી દીધી હતી.

હસમુખભાઇએ ચાલુ રિક્ષામાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને પકડી લેવાયા
પોલીસના જણાવ્યા પ્રમાણે એક ઇસમે હસમુખભાઇને ચપ્પુ બતાવ્યું ત્યારે હસમુખભાઇ દાગીના અને રોકડ ભરેલો થેલો લઇને ચાલુ રિક્ષામાંથી જ નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રિક્ષામાં સવાર બંને ઇસમોએ હસમુખભાઇને પકડી રાખ્યા હતા, જ્યારે મહિલાએ તેમની પાસેનો થેલો આંચકી લીધો હતો. તમામે ભેગા થઇને હસમુખભાઇને માર મારીને કાળીદાસ નગર પાસે જ ઉતારી દીધા હતા.

આ થેલામાં રૂા. 2.57 લાખના સોનાના દાગીના તેમજ રોકડા રૂા. 50 હજાર મળી કુલ્લે 3.07 લાખનો મુદ્દામાલ હતો. બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top