SURAT

‘મારા રૂપિયા આપી દેજે, અત્યારે જીવતો જવા દઉ છુ, નહીં તો લાશ પણ નહીં મળે’

સુરત : સારોલી ડીએમડી માર્કેટમાં (DMD Market) દિપ્તી ક્રિએશન દુકાનના કાપડ વેપારીએ એકાઉન્ટન્ટને (Accountant) જીએસટી રિટર્ન (GST Return) ભરવા આપેલા રૂપિયા વાપરી કાઢ્યા હતા. જેમાંથી 1.27 લાખ આપવાના બાકી હોવાથી આ રૂપિયાની વસૂલી માટે દુકાનમાં બોલાવી બાંધીને માર માર્યો હતો.

સરથાણા ભગવતી સોસાયટીમાં રહેતા 28 વર્ષીય ધવલભાઈ ઘનશ્યામભાઈ જીયાણી એકાઉન્ટન્ટનું કામ કરે છે. તેમના દ્વારા સારોલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ભાવેશભાઈ જગદીશચંદ્ર શાહ (ઠેકાણુ-દુકાન નં-૩૦૭, એ- બ્લોક ડી.એમ.ડી. માર્કેટ ભરત કેન્સર હોસ્પિટલની સામે કડોદરા) ની સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016 થી 2018 સુધી કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલ સામે ડીએમડી માર્કેટમાં દિપ્તી ક્રિએશન નામથી દુકાન ધરાવતા ભાવેશ શાહના દુકાનનું જીએસટી રિટર્ન અને એકાઉન્ટનું કામ કરતો હતો. ત્યારબાદ સમય નહીં રહેતા તેમનું કામ બંધ કરી દીધું હતું.

બાદમાં ગત 2 જાન્યુઆરી 2023 ના રોજ ભાવેશ શાહે ફરીથી તેમનું કામ ધવલભાઈને આપ્યું હતું. ભાવેશ શાહે જીએસટી રિટર્ન ભરવા માટે ધવલને ટુકડે ટુકડે 3.02 લાખ બેંકમાં અને 25 હજાર રોકડા મળીને 3.27 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ રૂપિયા ધવલે વાપરી કાઢ્યા હતા. ભાવેશ શાહે રૂપિયાની ઉઘરાણી કરતા ધવલે ટુકડે ટુકડે 2 લાખ ચુકવી આપ્યા હતા. ગત 4 તારીખે ભાવેશ શાહ ધવલના ઘરે જઈને તેના પિતાને મળ્યો હતો. બાદમાં ફોન કરીને ધવલ અને તેના પિતાને માર્કેટમાં દુકાનમાં પૈસાની વાત કરવા બોલાવ્યા હતા. ધવલને દુકાનમાં બોલાવી દુકાનનું શટર બંધ કરી ભાવેશભાઇ શાહે ગંદી ગાળો આપી હતી. ભાવેશ શાહ, પ્રતિક, રાહુલ અને અમરે દુકાનમાં પડેલા કાપડના લીરાથી ધવલના બન્ને હાથ અને પગ બાંધી દીધા હતા. અને સુવડાવી પગ વડે જાંઘના ભાગે લાતો અને લાકડાના ફટકાથી માર માર્યો હતો.

ભાવેશભાઇએ “મારા રૂપિયા આપી દેજે તને પહેલી અને છેલ્લી વખત જીવતો જવા દઉ છુ અને આ બાબતે કોઇને વાત કરીશ તો તારી લાશ પણ નહીં મળે”તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધવલે સારોલી પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઇ જગદીશચંદ્ર શાહ, પ્રતિક, રાહુલ અને અમરની સામે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top