સુરત: સુરતમાં (Surat) માલધારી સમાજના તબેલાઓ હટાવવા અને રાજ્યભરમાં ગોચરના અભાવે છૂટા ફરતા પશુઓ પાંજરાપોળમાં મોકલી ભૂખ્યા રાખવાના વિરોધમાં માલધારી સમાજે બુધવારે દૂધ (Milk) બંધનું આપેલું એલાન સુરત જિલ્લા અને શહેરમાં હિંસક બન્યું છે. માલધારી સમાજના નામે કેટલીક મહિલાઓ અને પુરુષોના ટોળાંએ પીકેટિંગ કરી મોડી રાતે સુમુલ ડેરીના દૂધ ભરેલા વાહનોની તોડફોડ કરી ડ્રાઇવર, ક્લિનરની મારઝૂડ કરતાં ડ્રાઇવરો જીવ બચાવવા દૂધ વાહનો મૂકી નાસી છૂટ્યા હતાં.
સુરત જિલ્લામાંથી આવતાં દૂધના વાહનો કામરેજ,વાલક પાટીયા, લસકાણા, પાસોદરા, સચિન, પાંડેસરામાં અટકાવી દૂધ લૂંટી લઈ, વાહનમાં તોડફોડ કરી દૂધની થેલીઓ લૂંટાવી દેવામાં આવી હતી. હિંસાની માહિતી મળતાં પોલીસ કમિશનર અજય તોમર માનસિંહ પટેલ સાથે બેઠક કરવા મોડી રાતે સુમુલ પહોંચ્યા હતાં. ઓલપાડના ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ), સંદીપ દેસાઈ પણ સુમુલ પહોંચ્યા હતાં. પોલીસે દૂધ અટકાવી ગ્રાહકોને બાનમાં લેવા હિંસા કરવી અયોગ્ય ગણાવી હતી.માનસિંહ પટેલે માલધારી સમાજને શાંતિ જાળવવા અને સંવાદથી પ્રશ્નો ઉકેલવા અપીલ કરી છે.
સુરત શહેરમાંથી માલધારી સમાજના ભેંસના તબેલાઓ દૂર કરવા સાથે રાજ્યભરમાં અવાવરું પશુઓ પકડવાની તંત્રની કામગીરી સામે માલધારી સમાજે રાજ્ય વ્યાપી દૂધ બંધનું એલાન આપ્યું છે. આ અંગે માલધારી સમાજના અગ્રણી અશ્વિન વાલમે પત્રકારોને જણાવ્યું હતું કે, માલધારી સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવતીકાલે કોઈ માલધારી પ્રાઇવેટ કે સહકારી ડેરીમાં દૂધ ભરશે નહીં. દૂધમાંથી ઘી બનાવી વધારાના દૂધને માતાજીને ચઢાવી એ રીતે સદ્ઉપયોગ કરશે. છૂટક દુકાનથી બાળકો માટે દૂધ ખરીદવા માંગતા ગ્રાહકોને દૂધની ખરીદી કરતાં અટકાવશે નહીં.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે બુધવારે સુમુલ ડેરી રાબેતા મુજબ સુરત શહેરની 60 લાખની જનતાને દૂધ વિતરણ કરશે. સુમુલની પ્રાથમિકતા ગ્રાહકો અને પશુપાલકો બંને છે. માલધારીઓ સરકાર સાથે સંવાદથી એમના પ્રશ્નનો ઉકેલ લાવે. આંદોલનથી ઉકેલ આવે એમ નથી. તમામ પશુપાલકો માલધારીઓ છે. વર્તમાન સ્થિતિમાં બંધ રાખી પશુપાલકો પોતાનું નુકસાન ન કરે. સુમુલ પાસે દિવસો ચાલે એટલો પૂરતો સ્ટોક છે. જો કે, દૂધ મળશે નહીં તેવી દહેશતથી મંગળવારે રાત્રે આઠ વાગ્યાથી જ શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેરમાં દૂધની દુકાનો તેમજ ડેરીઓ ઉપર લોકોએ લાંબી લાંબી લાઇનો લગાડી દીધી હતી.
સુરત : સુમુલ ડેરીએ અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્રારા તમામ એરિયામાં 21 અને 22 Sept 2022 ના રોજ રાબેતા મુજબ દૂધ આવશે, અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે. ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. સુમુલે પૂર, પ્લેગ, તોફાનો વચ્ચે પણ ક્યારેય નાગરિકોને દૂધની અછત વર્તાવા દીધી નથી.