ચોમાસામાં દક્ષિણ ગુજરાતની ખાણો બંધ રહેતી હોવાથી ભાવનગરથી લિગ્નાઇટ લાવવા વિચારણા – Gujaratmitra Daily Newspaper

Business

ચોમાસામાં દક્ષિણ ગુજરાતની ખાણો બંધ રહેતી હોવાથી ભાવનગરથી લિગ્નાઇટ લાવવા વિચારણા

સુરત: ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે આજે સુરત (Surat)માં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન (SGTPA)ના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એસજીટીપીએ દ્વારા ચોમાસા (Monsson)માં દક્ષિણ ગુજરાતની જીએમડીસીની લિગ્નાઇટ (Lignite)ની ખાણો બંધ રહેતી હોવાથી ભાવનગર (Bhavnagar)સાઇટથી લિગ્નાઇટ લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચોમાસાની સીઝનમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને લિગ્નાઇટની સમસ્યા નડે છે. આજે તે સંદર્ભે જીએમડીસીના એમડીને રજૂઆત કરતા તેમણે ચોમાસામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસો મળી રહે તેવુ આયોયજન કરવા ખાતરી આપી છે.

ચોમાસામાં આયાતી કોલસો મોંઘો પડે છે. એવી સ્થિતિમાં દરિયાઇ માર્ગે ભાવનગરથી બાર્જમાં અથવા ફેરી સર્વિસમાં કોલસાના કન્ટેનર લાવી શકાય તેમ છે અને દરિયાઈ માર્ગે ભાવનગરથી મગદલ્લા પોર્ટ પર કોલસો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ 50 ટકા રાહત થઇ શકે છે. ભાવનગરનો કોલસો રાજપારડી માઇન્સની ક્વોલિટી જેવોજ હોય છે. બેઠકમાં એસજીટીપીએના આગેવાનો કમલ વિજય તુલસ્યાન, પ્રમોદ ચૌધરી, બિનય અગ્રવાલ સહિતના આગેવાનોએ લિગ્નાઇટની ડિલિવરી ઓર્ડર માટે અન્ય બેંકોમાં પેમેન્ટ ચુકવણી માટે આગ્રહ કરવામાં આવે છે.

તેને બદલે ઉદ્યોગકારો જીએમડીસીના ખાતામાં આરટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ચુકવણી કરે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઇ હતી. તે ઉપરાંત નાના અને મધ્યમ હરોળના યુનિટોને લાર્જ યુનિટમાં ગણી ઉંચો ચાર્જ વસુલવામાં આવે છે તેના માટે નીતિ નક્કી થવી જોઇએ. સાથેજ ઘણી વાર લિગ્નાઇટ હલ્કી ગુણવત્તાનું હોવાથી એમિશન ટ્રેડિંગ સ્કીમમાં જોડાયેલા અને પર્યાવરણની જાળવણી કરવા માંગતા યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં મુશ્કેલી નડે છે અને પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે.

જીએમડીસી નવા રજિસ્ટ્રેશન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરે: એસજીટીપીએ

એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જીએમડીસીના એમડી રૂપવંત સિંહને રજૂઆત કરી હતી કે નવા રજિસ્ટ્રેશન માટે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, તેનો ઝડપી નિકાલ થવો જોઇએ. તે ઉપરાંત ખાણો માટેની લીઝનો કરાર સમયસર રિન્યુ કરવામાં આવે તો માલનો પુરવઠો જળવાઇ રહેશે. રૂપવંત સિંહે લિગ્નાઇટનો પ્રશ્ન ઝડપથી હલ કરવા એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસીના અધિકારીઓ અને પાંચ સભ્યોને શામેલ કરી પ્રત્યેક મહીને એક વાર બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલની ખાતરી આપી હતી. બેઠકમાં જીએમડીસીના ચીફ જનરલ મેનેજર કુલશ્રેષ્ઠ પણ હાજર રહ્યાં હતા.

Most Popular

To Top