SURAT

સુરતનાં મેન્યુફેકચર્સનું પેમેન્ટ કઢાવવા બેંગલુરૂ અને સેલમના જરી એસો.ની મદદ લેવાશે

સુરત: ઓવર પ્રોડક્શન, રો-મટિરિયલના વધતા ભાવ સામે જરીની કિંમત નહીં વધવી, દક્ષિણ ભારતના રાજ્યોમાં જરીની ઓછી ડિમાન્ડ, શ્રીલંકા (Srilanka) સંકટને લીધે જરીનું વેચાણ બંધ થવા સાથે ઉત્પાદકોની મોટી રકમ (Payment) ફસાઈ છે. અને જરી ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વાર મોટું આર્થિક સંકટ ઊભું થયું છે.એને લીધે દિવાળીના 10 દિવસ અગાઉથી 30 દિવસનું વેકેશન પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ સુરતના જરીના જે વેપારીઓની મૂડી 6 મહિનાથી લઈ એક વર્ષ સુધી ફસાઈ છે તેમનું પેમેન્ટ છૂટું થાય એ માટે ફોસ્ટા અને ફોગવાની જેમ પેમેન્ટ કઢાવવા પ્રયાસ થઈ રહ્યા છે. સુરત જરી મેન્યુફેકચર્સ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા જરી ફેડરેશનના અગ્રણી શાંતિલાલ જરીવાલાએ જણાવ્યું હતું કે, બેંગ્લોરમાં કર્ણાટક જરી એસોસિએશન અને સેલમના જરી એસોસિએશનને સુરતનાં લેણદારોની યાદી મોકલી ત્યાંના વેપારીઓ પાસે પેમેન્ટ કઢાવવા યાદી મોકલવામાં આવશે. જરૂર જણાશે તો બંને એસોસિએશનના આગેવાનો સંયુક્ત બેઠક પણ યોજવામાં આવશે.

બહારગામના વેપારીઓએ 6-6 મહિનાથી પેમેન્ટ કર્યું નથી. શ્રીલંકામાં જે માલ ગયો એનું મોટું પેમેન્ટ ફસાયું છે.એ પેમેન્ટ મળવાની શક્યતા નહિવત છે. તાજેતરમાં સુરત જરી મેન્યુ. એસોસિએશનની સભામાં દિવાળીનાં 10 દિવસ પહેલા અને 20 દિવસ પછી એમ 30 દિવસનું વેકેશન રાખવાનું નક્કી થયું હતું. જેથી ઓવર પ્રોડક્શન અને નુક્શાનીથી બચી શકાય. શ્રીલંકા સંકટને લીધે મોટું પેમેન્ટ ફસાયું છે.દક્ષિણના વેપારીઓ પણ દિવાળીની સિઝન પુરી થવા છતાં પેમેન્ટ આપી રહ્યાં નથી.

લાખો રૂપિયા ફસાયા છે પણ કારખાનેદારો પાર્ટીનું નામ આપવા તૈયાર થતાં નથી
જરી ઉદ્યોગના અગ્રણીઓ કહે છે કે જરીના કારખાનેદારોનો માલ કોઈપણ પચાવી શકે છે.સુરતના વેપારીઓના લાખો રૂપિયા ફસાયા છે પણ કારખાનેદારો પાર્ટીનું નામ આપવા તૈયાર થતાં નથી. લાખો રૂપિયા ફસાયા છતાં વેપારીઓ માને છે કે એસોસિએશનના આગેવાનોને નામ આપીએ તો પાર્ટી જાહેર થઈ જાય એમ છે. બીજી તરફ એસોસિએશનના આગેવાનો કહે છે કે અમે એટલા મૂર્ખ નથી કે અમારા સાથીના લાખો રૂપિયા ખાઈ જનાર સાથે વેપાર કરીએ.જેમનું પેમેન્ટ ફસાયું છે એમને ભરોસો રાખવો પડશે તો જ ફસાયું પેમેન્ટ છૂટું થશે.

સુરત જરી મેન્યુ.એસોસિએશને આ 6 નિર્ણયો લીધા

  • જરી ઉદ્યોગનું દિવાળી વેકેશન 30 દિવસનું રાખવું. દિવાળી પહેલા 10 અને દિવાળી પછી પણ 20 દિવસ જરીના તમામ એકમો બંધ રાખવા.
  • શ્રીલંકાની પરિસ્થિતિને કારણે જરીની સાડીનું વેચાણ બંધ છે અને એને કારણે પેમેન્ટ આવતું નથી.
  • ઉદ્યોગમાં ઓવર પ્રોડક્શનને કારણે જરીના વેચાણ ભાવો મળતા નથી. ઉત્પાદન કોસ્ટ કરતા નીચા ભાવે જરીનો માલ વેચવા વેપારીઓ મજબુર બન્યા છે.
  • સામી દિવાળીએ પેમેન્ટ આવતા નથી અને માલની ડિમાંડ નથી તેથી જરી ઉદ્યોગ હાલમાં કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.
  • છ માસ સુધી જરીમાં પેમેન્ટ આવતા નથી જેથી લિક્વિડિટી રહી નથી અને ઉદ્યોગ હાલમાં સખત નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે.
  • કાચામાલના વધતા ભાવોએ પડતા પર પાટુ માર્યા જેવી હાલત જરી ઉદ્યોગની છે.

Most Popular

To Top