સુરત શહેર અને જિલ્લામાં આવનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ સુચારુ આયોજન શરૂ કરી દીધું છે: Surat District Education Office દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થાઓ મજબૂત બનાવવા બેઠક યોજાઈ હતી.આ બેઠક માં જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ સમયસર અને નિર્વિઘ્ને પરીક્ષા ખંડ સુધી પહોંચી શકે તે માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાનમાં રાખીને, જે શાળાઓની આસપાસ સવારે ભારે ટ્રાફિક રહે છે ત્યાં અભ્યાસાર્થીઓને ઓછામાં ઓછા 45 મિનિટ વહેલા નીકળવાની અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને પરીક્ષા સમયગાળા દરમિયાન ખાસ બંદોબસ્ત ગોઠવાશે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે.
ખાસ કરીને જહાંગીરપુરા-ડભોલી બ્રિજ વિસ્તારમાં પરીક્ષા સમયે ટ્રાફિકનો દબાણ વધારે રહેતો હોવાથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પરીક્ષા સમય દરમિયાન બ્રિજનો એક તરફનો માર્ગ ‘ટુ-વે’ તરીકે કાર્યરત રાખવામાં આવશે, જેથી વાહનોની અવરજવર સરળ બને અને પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે.તે ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શાળા સંચાલકોને પણ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, સમયપત્રક અને જરૂરી દસ્તાવેજોની પૂર્વ તૈયારી અંગે માર્ગદર્શન આપવા કહેવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણ તંત્રે વાલીઓ અને વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ એક જ છે,દરેક વિદ્યાર્થી શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસભર્યું વાતાવરણ મેળવી પોતાની પરીક્ષા શ્રેષ્ઠ રીતે આપી શકે.