SURAT

સુરતમાં વહેમીલા પતિએ 7 વર્ષથી અલગ રહેતી પત્ની ઉપર બાળકો સામે જ ફાયરિંગ કર્યું

સુરત: સુરત (Surat) કતારગામની (Katargam) એક સોસાયટીમાં મઘરાત્રિએ બાળકોની આંખ સામેજ પતિએ પત્ની ઉપર ફાયરિંગ (Firing) કર્યુ હતું. પત્નીની છાતી, પેટ અને પગમાં ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જ સિવિલના ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. 12 વર્ષના બાળકનો કબ્જો લેવા માટે આવેલો અખિલેશ નામનો આ વ્યક્તિ પત્ની પર ફાયરીંગ કર્યા બાદ મેંગ્લોર ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે અખિલેશની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

  • ઈજાગ્રસ્ત થયેલી પત્નીને તાત્કાલિક સિવિલના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ
  • લગ્નના થોડા સમયમાં જ અખિલેશ ટીના સાથે મારઝુડ કરતો કરતો હતો
  • બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી

મળતી માહિતી મુજબ કતારગામમાં રહેતી મુળ રાજસ્થાનની વતની ટીનાએ 16 વર્ષ અગાઉ અખિલેશ સાથે પ્રેમ લગ્ન કરી તેઓના નવા જીવનની શરૂઆત કરી હતી. થોડા સમય પછી ટીનાને માલૂમ પડયુ કે પતિ શંકાશીલ છે. લગ્નના થોડા સમયમાં જ અખિલેશ મારઝુડ કરતો હોવાથી તેમજ માનસીક તાણના કારણે કંટાળી ટીના અખિલેશથી અલગ થઈ ગઈ હતી. અખિલેશ 12 વર્ષિય પુત્રનો કબજો લેવા માટે સુરત આવીને પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી પરત મેંગ્લોર જતો રહ્યો હતો. પતિના શંકાશીલ સ્વભાવને કારણે સંતાનોને લઇને અલગ રહેતી પત્ની પાસેથી પુત્રનો કબજો લેવા માટે અખિલેશે ફાયરીંગ કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. હાલ તો મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

16 વર્ષના લગ્ન જીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન માનસીક તણાવના કારણે તેણે બે વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અખિલેશ માત્ર પત્નીની હત્યા કરવાના ઈરાદાથી જ આવ્યો હોવાની માહિતી પણ મળી આવી છે. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના સ્વભાવને કારણે બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. કોરોના પહેલાં છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ તેઓએ કરી હતી. પરંતુ કોર્ટ બંધ રહી હોવાના કારણે છૂટાછેડા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્ટમાંથી ભરણપોષણ આપવાના હુકમ પણ આપવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top