સુરત : વેસુ (Vesu) વીઆઈપી રોડ (VIP Road) પર આવેલી હોટલમાં (Hotel) મેનેજરને કેશ કાઉન્ટરની (Cash Counter) ચાવી (Key) ભુલીને વોશ રૂમ જવું મોંઘુ પડ્યું હતું. દોઢ મહિના પહેલા નોકરીએ જોડાયેલો હાઉસ કિપર કાઉન્ટરમાંથી 80 હજાર રોકડની ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે વી.આઇ.પી.રોડ ફાયર સ્ટેશનની બાજુમાં નોવા વાટીકા હોટલ ચલાવતા 30 વર્ષીય વિશાલભાઈ ગિરધરભાઈ ગોંડલીયા મૂળ રાજકોટના ગોંડલના શિવરાજગઢ ગામના વતની છે. તેઓ નોવા વાટીકા હોટલના નામે હોટલ ચલાવે છે અને ત્યાં જ રહે છે. તેમની હોટલમાં દોઢ મહિના પહેલા જ માણકચંદ કિસ્તુરચંદ નામનો વ્યક્તિ 10 હજારના પગારે હાઉસકીપીંગની નોકરીએ જોડાયો હતો. હોટલમાં ગત 21 જુલાઈએ રાત્રે મેનેજર દિલીપભાઈ ગાયરી રિસેપ્શન પર હાજર હતા ત્યારે બાકીનો સ્ટાફ જમવા ગયો હતો. ત્યારે માણકચંદ ત્યાં આવી ઉભો રહેતા દિલીપભાઈ કેશ કાઉન્ટરમાં ચાવી રાખી વોશરૂમ ગયા હતા. થોડીવાર બાદ પરત ફરી તે જમવા માટે ગયા ત્યારે માણકચંદ ત્યાં જ ઉભો હતો. જમતી વેળા કેશ કાઉન્ટરમાં ચાવી રહી ગયાનું યાદ આવતા તે ચાવી લેવા ગયા ત્યારે પણ માણકચંદ ત્યાં ઉભો હતો. કેશ કાઉન્ટરને લોક મારી ફરી જમવા બેસેલા દિલીપભાઈ જમીને પરત ફર્યા અને હિસાબ કરી કેશ કાઉન્ટર ચેક કરતા રોકડા 80,250 ગાયબ હતા. અને માણકચંદ પણ હાજર નહોતો. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
સ્નેચરોનો આતંક યથાવત, જહાંગીરપુરામાં મહિલાનું મંગળસૂત્ર તૂટ્યું
સુરતઃ શહેરના જહાંગીરપુરા ખાતે ગઈકાલે સાંજે મહિલા બ્યુટી પાર્લર ક્લાસમાંથી ઘરે જતી હતી. ત્યારે ત્યારે વૈષ્ણોદેવી બ્લ્યુ બેલ્સથી વૈષ્ણોદેવી સ્કાય તરફ આવતા રોડ ઉપર સ્પોર્ટસ બાઈક પર આવેલો બુકાનીધારી તેમના ગળામાંથી 30 હજારનું સોનાનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયો હતો. જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વૈષ્ણવોદેવી સ્કાયમાં રહેતા હિમાંશુભાઇ રામચંદ્ર કંસારા કતારગામ આંબાતલાવડી ઝીરકોન પ્લસમાં શેર બ્રોકરનું કામ કરે છે. તેમની પત્ની હેતલબેન (ઉ.વ.32) ગૃહિણી છે. ગઈકાલે બપોરે તે જહાંગીરપુરા ગ્રીન એરીસ્ટો શોપીંગ સેન્ટરમાં ન્યુ ફેબ બ્યુટી પાર્લરમાં ચાલતા ક્લાસમાં ગયા હતા.
સાંજે 7.30 વાગ્યે પાર્લરમાં ચાલતા ક્લાસમાંથી ચાલતા ચાલતા ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે સામેથી લાલ રંગની સ્પોર્ટસ બાઈક પર અંદાજીત 30 વર્ષનો બુકાનીધારી આવ્યો હતો. અને તેમની પાસેથી પસાર થયો હતો. બાદમાં આ બુકાનીધારી પાછળથી બાઈક પર આવ્યો હતો અને હેતલબેનના ગળામાંથી 30 હજારની કિમતનું મંગળસૂત્ર તોડી નાસી ગયો હતો. સ્નેચરે જોરથી મંગળસૂત્ર ખેંચતા હેતલબેનના ડ્રેસનો ઉપરનો થોડો ભાગ પણ ફાટી ગયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોધી વધારે તપાસ હાથ ધરી છે.