સુરત: ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ (Hospital) ખાતે છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન (organ donation) થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
શહેરમાં દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ૩૫મું અંગદાન થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા 47 વર્ષીય દિપકભાઈ લિમજે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તા 20મી જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ તત્કાલ બેભાન અવસ્થામાં સાંજે 5 વાગ્યે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાયુ હતું. સિવિલમાં સઘન સારવાર બાદ તા.૨૨મીએ રાત્રે 2 વાગ્યે ન્યુરોફિઝિશિયન ડો.જય પટેલ તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, આર. એમ. ઓ. ડો. કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સ્વ.દિપકભાઈના પરિવારમાં પત્ની કલ્પનાબેન, પુત્ર હર્ષ તથા મનિષ છે. જેઓને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપી હતી. બ્રેઈનડેડ દિપકભાઈની બન્ને કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફના સહિયારા પ્રયાસો તથા મીડિયાના માધ્યમથી દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે લોક જાગૃતિ આવી રહી છે ત્યારે લિમજે પરિવારની અન્યોને મદદરૂપ થવાની ભાવના થકી આજે થયેલા સફળ અંગદાનથી માનવતા ફરી વાર મહેંકી ઉઠી હતી.