સુરત: (Surat) કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં વીતેલા એક સપ્તાહમાં ઓમિક્રોનના કેસ બમણી ગતિથી વધ્યા છે, જેના પગલે સરકાર ચિંતિત બની છે. યુપી, એમપી સહિત અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ નાઈટ કરફ્યૂનો સમયગાળો વધારી દેવાયો છે, ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે સુરતની હોસ્પિટલે માસ્ક ફરજિયાત કર્યું છે. દર્દી અને તેના સગા માસ્ક નહીં પહેરતા હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ હોસ્પિટલ દ્વારા માસ્ક વિના દેખાય તેની પાસેથી 1000 દંડ વસૂલાશે તેવું ફરમાન જારી કરાયું છે. આ અંગેના બેનર પણ હોસ્પિટલમાં ઠેરઠેર લગાવી દેવામાં આવ્યા છે.
ઓમિક્રોનના (Omicron) હાહાકાર વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) માસ્ક વગર પકડાયા તો રૂા. 1000નો દંડ કરવામાં આવશે તેવા બેનરો (Banners) લાગતા હોબાળો થયો હતો. કોંગ્રેસ (Congress) તેમજ આપના નેતાઓ દ્વારા વિરોધ (Protest) નોંધાવવામાં આવતા ખટોદરા પોલીસનો (Khatodara Police) સ્ટાફ સિવિલમાં બંદોબસ્તમાં જોતરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં ધીમે ધીમે કોરોનાએ પગ પેસારો કર્યો છે, કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. બે દિવસ પહેલા જ ભટારમાં (Bhatar) રહેતા એક વૃદ્ધનું કોરોનાથી મોત (Dead) નીપજ્યું હતું. આ બધી બાબતો વચ્ચે સુરત સિવિલનું તંત્ર હરકતમાં આવ્યું છે. નર્સિંગ તેમજ ડોક્ટરોની ટ્રેનીંગની સાથે સાથે હવે કોરોનાથી બચવા માટે પ્રિકોસન્સ લેવામાં આવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે (Friday) સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતા વ્યક્તિઓને લઇને સૂચના અને દંડ લેવા માટેનું બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં, માસ્ક વગર પકડાશો તો રૂા. 1000નો દંડ લેવામાં આવશે. માસ્ક વ્યવસ્થિત પહેરેલું ન હશે તો રૂા. 500નો દંડ કરવામાં આવશે. સિવિલના મેઇન ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વાર ઉપર આ બેનર લગાવવામાં આવ્યા હતા. સાથે સાથે સિક્યોરીટીમાં પણ વધારો કરીને કડક ચેકીંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
માસ્ક વગર દંડના બેનરો પરંતુ તમામ ક્ષેત્રે લોકો માસ્ક પહેરતા જ નથી
એક તરફ સિવિલ હોસ્પિટલમાં માસ્કને લઇને દંડ કરવાના બેનરો લાગ્યા છે, બીજી તરફ શહેરમાં કોઇપણ જાહેર કાર્યક્રમ હોય કે પછી રાજકીય કાર્યક્રમ, સરકારી કે બિનસરકારી મીટીંગોમાં ક્યાંય પણ માસ્કના નિયમનું પાલન કરવામાં આવતું નથી. સુરત મનપાની કચેરીમાં તેમજ બીજી સરકારી કચેરીમાં પણ મોટાભાગના અધિકારીઓ માસ્કનો ઓછો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ માસ્કના નામે દંડ ઊઘરાવવાનું આયોજન કરવામાં આવતા રાજકીય પક્ષોમાં હોબાળો મચી ગયો છે. આ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થાય તેવા પણ સંકેતો છે.