સુરત: સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) તબીબોમાં ગેંગવોર (Gangwar) ફાટી નીકળી છે. તેમાં મામલો એક બીજાને મારી નાંખવા સુધી પહોંચી ગયો હતો. સુરત સિવિલ કેમ્પસમાં કયારેય આ પ્રકારની ઘટના જોવા મળી નથી. મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 18 વર્ષિય વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થી દ્વારા હુમલો બ્લેડથી હુમલો કરી દેવાયો હતો. છાતી, બંને હાથ ઉપર તેમજ માથામાં બ્લેડ ફેરવી દેવાતા લોહીલુહાણ હાલતમાં ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર વિભાગમાં ખસેડાયો હતો. બનાવને પગલે જુનિયર તેમજ સિનીયર તબીબી વિદ્યાર્થીઓનું ટોળું ટ્રોમા સેન્ટર બહાર ભેગું થઇ ગયું હતું.
- નવી સિવિલ કેમ્પસમાં મૂળ દાહોદના આદિત્યને મરાયેલી બ્લેડથી લોહીલુહાણ થઈ જતાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો
- થોડા સમય પહેલા કેન્ટીમાં પાણીની બોટલ મુદ્દે આદિત્યની હર્ષવર્ધન સાથે માથાકૂટ થઈ હતી, જેમાં હુમલો કરાયો
નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મુળ દાહોદનો વતની આદિત્ય પવાર (ઉ.વ.18) સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં તબીબી સ્નાતકના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. દરમિયાન આજે ગણેશ ચોથ હોય મેડિકલ કોલેજમાં ગણપતિની સ્થાપના કરાઇ હતી. સ્થાપના થઇ ગયા બાદ આદિત્ય ઉપર જુની અદાવત રાખીને એમબીબીએસના પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતા હર્ષવર્ધન હરસિદ્ધિએ મોડી સાંજે બ્લેડથી હુમલો કર્યો હતો. આદિત્યને હાથ ઉપર, છાતી ઉપર તેમજ માથામાં કુલ 6 ઘા મરાયા હતા. બ્લેડથી કરાયેલા હુમલામાં આદિત્ય લોહીલુહાણ થઇ ગયો હતો. સાથી વિદ્યાર્થીઓ તેને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઇ ગયા હતા. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. આદિત્યએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા કોલેજ કેન્ટીનમાં પાણીની બોટલ બાબતે હર્ષવર્ધને માથાકુટ કરી હતી અને આજે અચાનક તેની ઉપર હુમલો કરી દીધો હતો. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હર્ષવર્ધન હરસિદ્ધિ તામસી સ્વભાવ વાળો છે.