દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને આજ રોજ તા. 19 ઓક્ટોબર રવિવારે સૌથી વધુ ધસારો થવાની શક્યતા હોવાથી રેલવે પ્રશાસન અને સુરક્ષા દળોએ સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બોમ્બ-ડોગ સ્ક્વોડ તૈનાત, ટ્રેન અને સમાનનું ચેકિંગ ચાલુ
રેલવે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DYSP) ડી.એચ. ગૌરે જણાવ્યું કે દિવાળી નિમિત્તે હજારો મુસાફરો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આ વધતી ભીડ વચ્ચે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ઉધના સ્ટેશન પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે.

સ્ટેશન પરિસરમાં મુસાફરોના સામાન અને આવતી-જતી ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મુસાફરોને સુરક્ષિત યાત્રા મળી રહે.
મોટા પોલીસ બંદોબસ્ત સાથે GRP અને RPF કાર્યરત
મુસાફરોની ભીડને સંભાળવા અને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસાડવા માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ઉધના સ્ટેશન પર હાલ બે DYSP, ચાર PI, છ PSI અને લગભગ 200 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ પર છે. GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના અધિકારીઓ સાથે મળીને મુસાફરોની સુવિધા અને સુરક્ષાનું સંચાલન કરી રહ્યા છે.
રવિવારે સૌથી વધુ ધસારો થવાની શક્યતા
રેલવે તંત્ર મુજબ આજે રવિવારે સૌથી વધુ મુસાફરી થવાની શક્યતા છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો રાત્રે અને દિવસે બંને શિફ્ટમાં કાર્યરત છે.
દિવાળી અને છઠ્ઠની રજાઓ દરમિયાન વધતી મુસાફરી વચ્ચે રેલવે તંત્ર મુસાફરોને સહજ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત યાત્રા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.