સુરત: હજીરામાં બહેન સાથે નોકરીએ જતા યુવકને ટ્રકે કચડી નાખ્યો – Gujaratmitra Daily Newspaper

SURAT

સુરત: હજીરામાં બહેન સાથે નોકરીએ જતા યુવકને ટ્રકે કચડી નાખ્યો

સુરત: સુરત(Surat) શહેરના અમરોલી(Amroli) ખાતે રહેતા અને હજીરા(Hajira) ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં એક આધેડ વ્યક્તિનું હજીરા ખાતે માર્ગ અકસ્માત(Accident)માં મોત નિપજ્યું હતું. પોતાની બહેન(Sister) સાથે મોટર સાયકલ પર પસાર થઈ રહેલા આ વ્યક્તિને અજાણ્યા ટ્રક(Truck) ચાલક દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઈક પર સવાર તેઓની બહેનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે હજીરા પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
સુરત શહેરના અમરોલી – છાપરાભાઠા રોડ પર આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૯ વર્ષીય જિતેન્દ્રકુમાર વિઠ્ઠલભાઈ ચૌહાણ પોતાની બહેન હંસાબેન સાથે મોટર સાયકલ પર હજીરા ખાતે આવેલ યુરો યુનિવર્સિટીમાં નોકરી માટે જઈ રહ્યા હતા. આ દરમ્યાન એસ.કે. નગર ચોકડથી હજીરા તરફ જતાં સર્વિસ રોડ પર બેફામ ટ્રક ચાલકે પાછળથી જિતેન્દ્રકુમાર ચૌહાણની મોટર સાયકલને ટક્કર મારતાં તેઓ અને તેમની બહેન જમીન પર ફસડાઈ પડ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં જિતેન્દ્રકુમાર ચૌહાણનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે હંસાબેનને ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ આ દુર્ઘટનાને પગલે લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલ હજીરા પોલીસ દ્વારા પણ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની સાથે મૃતક જિતેન્દ્રકુમાર ચૌહાણના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કપડા સુકવતી વખતે પગ લપસી જતા મહિલા ત્રીજા માળેથી પટકાતા મોત
સુરત : લિંબાયત ગાંધીનગર વિસ્તારમાં રહેતી મહિલા ટેરેસ ઉપર કપડા સુકવી રહી હતી ત્યારે વરસાદી પાણીમાં પગ લપસી જતા ત્રીજા માળેથી પટકાતા તેણીનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત ગાંધીનગર વિસ્તારમાં રહેતા સંજય પાટીલની પત્ની સુરેખાબેન (ઉ.વ.35) પોતાના ઘરની અગાસીમાં કપડાં સુકાવવા મૂકી રહ્યા હતા. જોકે વરસાદના કારણે અગાસી ઉપર પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણીના કારણે સુરેખાબેનનો પગ લપસી જતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. તેમને ગંભીર હાલતમાં પુત્ર આકાશ સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top