National

સુરતમાં ધામા નાંખેલા એકનાથ શિંદે સહિત શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

સુરત: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘટેલી ઘટનાએ ફરી એકવાર ખજૂરાહોની યાદ અપાવી દીધી છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર જોખમમાં મુકાઈ છે. એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મંત્રી અને શિવસેનાના (Shivsena) અગ્રણી નેતા એકનાથ શિંદે (Eknath Shinde) સોમવારે રાત્રે ગુજરાતના સુરતમાં 30 ધારાસભ્યો સાથે આવી પહોંચ્યા હતા. શિંદેનો દાવો હતો કે તેઓ પાસે 25થી વધુ ધારાસભ્યોનું (MLA)સમર્થન છે. મહારાષ્ટ્રના જલગાંવના ભાજપના ધારાસભ્ય સંજય કુલટે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હવે આ ધારાસભ્યોને આસામના ગુવાહાટી ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. મળતી માહિતી મુજબ ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવા માટે ત્રણ બસ હોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ત્રણ બસ લા મેરિડિયન હોટલ ખાતે પહોંચી ચૂકી હતી. જેમાંથી એક બસ હોટલ પરિસરમાં પહોંચી જયારે બે બસ હજુ હોટલ પરિસરની બહાર જ હતી. ગણેશ નામની બસ હોટલ પરિસરમાં ધારાસભ્યને લેવા પહોંચી ગઈ છે. જ્યારે મા કૃપા અને નીતા નામની બસ હોટેલ કેમ્પસની બહાર ઉભી રાખવામાં આવી હતી. હોટલની અંદરથી બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવશે તેવી માહિતી મળી આવી છે. રાત્રે લગભગ સાડા બાર વાગ્યા આસપાસ આસામના ગુવાહાટી ખાતે તમામ ધારાસભ્યોને ખાસ વિમાન મારફતે ખસેડવામાં આવશે તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે.

વિદ્રોહ બાદ એકનાથ શિંદેનું પહેલું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમે બાળાસાહેબના સાચા શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે. અમે સત્તા માટે ક્યારેય છેતરપિંડી કરીશું નહીં. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ સાહેબે આપણને છેતરવાનું શીખવ્યું નથી. એકનાથ શિંદે એનસીપી (NCP) અને શિવસેનાના ગઠબંધનથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેઓ એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડી શિવસેના ભાજપ (BJP) સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તેવી માંગણી કરશે. આ તરફ મુંબઈ કોંગ્રેસમાંથી એક માહિતી બહાર આવી છે, તે અનુસાર કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જવાના નથી. તેઓને મુંબઈમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ભાજપે મુંબઈ ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદમાં બોલાવી લીધા છે, જેથી શિવસેના કોઈ ઉંધો ખેલ નહીં પાડે.

Most Popular

To Top