સુરત : સુરત (Surat) પુર્વની બેઠક એવી છે કે, અહી ભાજપનું (BJP) વર્ષોથી પ્રભુત્વ હોવા છતાં દરેક વિધાનસભાની ચૂંટણી (Election) વખતે આ બેઠક પર બધાની નજર હોય છે. કેમ કે આ એક એવી બેઠક છે જેમાં કુલ મતદારોમાં મુસ્લિમ મતદારો વધુ છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) અને આપ (AAP) વચ્ચે ત્રિ-પાંખીયો જંગ આખા રાજયમાં ખેલાઇ રહ્યો છે. પરંતુ આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંજન જરીવાલાએ છેલ્લા દિવસે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા હવે માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. અન્ય પક્ષોના ઉમેદવાર પણ અહી મેદાનમાં છે પરંતુ તેઓનું ખાસ કોઇ વજુદ જણાતું નથી.
ગત ચૂંટણીમાં ભાજપના અરવિંદ રાણા અહી 13347 મતોથી જીત્યા હતા. આ વખતે પણ અરવિંદ રાણા રિપીટ થયા છે. જયારે ભાજપે મુસ્લિમ નેતા અસલમ સાયકલવાળાને ટિકીટ આપી છે. અહી કુલ મતદારોમાં 92 હજાર મુસ્લિમ મતો હોવાથી કસોકસનો જંગ થશે. જો કે અહીં 8 અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો સહિત અન્ય મળી કુલ 12 મુસ્લિમ ઉમેદવારો કેટલા મતો લઇ જાય છે તેના પર હાર-જીતનો આધાર છે.
બેઠકનો ઇતિહાસ
1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈશ્વરલાલ દેસાઈ આ પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા હતા. સતત કોંગ્રેસની જીત બાદ છેક વર્ષ 1975માં કાશીરામ ભાઈ રાણા ભારતીય જનસંઘની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે 1980 તેની હાર થઇ હતી પછી છેક 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મદનલાલ કાપડિયાએ જીત મેળવી હતી. ત્યારથી અહીં ભાજપનું વર્ચસ્વ છે. જો કે વચ્ચે 2002માં કોંગ્રેસના મનીષ ગિલીટવાલા આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રણજીતભાઈ ગિલીટવાલા જીત્યા હતા. 2017માં અરવિંદ રાણાએ કોંગ્રેસના નીતિનભાઈ ભરૂચાને 13,347 મતોથી હરાવીને જીત મેળવી હતી.
આ વિસ્તારની સમસ્યાઓ
કોટ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. જો કે અશાંતધારાનો ભંગ કરી કોટ વિસ્તારમાં મિલક્તોનું વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. અશાંતધારાનો અમલ કાગળ પર થતાં કલેકટરાય અને પાલિકા કચેરી સુધી ફરિયાદો ગઇ છે. અશાંતધારા નિયમનું ભંગ કરી મિલકતો તબદીલ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ છે. હજુ નક્કર પગલા લેવાયા નથી તેથી લોકોમાં નારાજગી દેખાય છે, વળી કોટ વિસ્તારમાં વર્ષોથી દબાણ સાથે ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. મેટ્રો રેલનું કામ ચાલુ થતા ટ્રાફિકની સમસ્યા વધારે વકરી છે. અત્યંત ગીચ વિસ્તાર વચ્ચે પાણી, ડ્રેનેજ કે રસ્તાના કામોથી ટ્રાફિકની સમસ્યા વકરે છે. બાગ બગીચાની સુવિધા ઉભી કરાતી નથી.
હાર-જીતનો ઇતિહાસ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 અરવિંદ રાણા બીજેપી
2012 ગિલીટવાલા રણજીત બીજેપી
2007 ગિલીટવાલા રણજીત બીજેપી
2002 ગિલીટવાલા મનિષ કોંગ્રેસ
1998 ખસી ગુલાબદાસ બીજેપી
1995 ખસી ગુલાબદાસ બીજેપી
1990 કાપડિયા મદનલાલ બીજેપી
1985 મહાશ્વેતા ચૌહાણ કોંગ્રેસ
1980 જસવંતસિંહ ચૌહાણ કોંગ્રેસ
1975 કાશીરામ રાણા બીજેએસ
1972 ગોરધનદાસ ચોખાવાલ કોંગ્રેસ
1967 ગોરધનદાસ ચોખાવાલ કોંગ્રેસ
1962 ઈશ્વરલાલ દેસાઈ કોંગ્રેસ
અસલમ સાયકલવાલા (કોંગ્રેસના ઉમેદવાર)
વર્ષ 2015માં સુરત મનપામાં ચુંટાઇ આવેલા અસલમ સાયકલવાળા લઘુમતિ, દલિત અને સ્લમ વિસ્તારના લોકો પર પકકડ ધરાવે છે. કોંગ્રેસના આક્રમક નેતા તરીકે ઓળખાય છે. જો કે ભાજપના આ ગઢમાં રાણા સમાજના અરવિંદ રાણા સામે જીતવામાં ઘણી મહેનત કરવી પડે તેવી સ્થિતી છે.
અરવિંદ રાણા (ભાજપના ઉમેદવાર)
એક સમયે ભાજપના કોર્પોરેટર તરીકે સુરત મનપામાં મહત્વના હોદ્દાઓ ભોગવી ચુંકેલા અરવિંદ રાણા ફકીરભાઇ ચૌહાણના ચેલા હોવાથી ભાજપ છોડી તેની સાથે મજપામાં ચાલ્યા ગયા હતા. દરમિયાન થોડા સમય બાદ ભાજપમાં પુનરાગમન કર્યુ અને હાલ સિટિંગ ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીના ખત્રી સમાજના ઉમેદવારે ફોર્મ પરત લીધા બાદ હવે તેમના માટે જીતનો રસ્તો આસાન થઈ ગયો છે.
મતદારોના સમીકરણ
કુલ : 2,14 લાખ
મુસ્લીમ : 92 000
રાણા : 30,000
ખત્રી : 18000
એસસી : 10000
એસટી : 5000
અન્ય ઓબીસી : 25000
અન્ય : 25000