SURAT

ગ્રીષ્મા હત્યા કેસ: કોર્ટમાં FSL અધિકારીઓએ કંઇક આવી જુબાની આપી

સુરત: સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યા કેસમાં આજે એફએસએલના અધિકારીની જૂબાની લેવામાં આવી હતી. આ અધિકારીએ કોર્ટમાં કહ્યું કે, ‘ઓડિયોમાં ફેનિલ અને આકાશનો અવાજ છે, તેમજ હત્યાનો જે વિડીયો છે તે પણ ઓરીજનલ જ છે અને તેમાં કોઇ ચેડા કરાયા નથી’. આ કેસની વિગત મુજબ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. એક દિવસ પહેલા જ કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી. ત્યારે આજે એફએસએલના અધિકારીની જુબાની લેવામાં આવી હતી.

હત્યા બાદ ફેનિલે પોતાના મિત્ર આકાશને ફોન કરીને ગ્રીષ્માની હત્યા કરી હતી, આ ઉપરાંત હત્યાનો જે લાઇવ વિડીયો હતો. તે અંગે સર-તપાસ અને ઉલટ તપાસ કરાઇ હતી. કોર્ટમાં જુબાની આપતા એફએસએલના અધિકારીએ કહ્યું કે, જે ઓડિયો પોલીસે કબજે કર્યો છે, તેમાં આકાશ અને ફેનિલનો જ અવાજ સંભળાય છે, આ ઉપરાંત જે હત્યાનો વિડીયો છે તે પણ ઓરીજનલ જ છે, તેમાં કોઇપણ પ્રકારના ચેડા કરાયા નથી. ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરાયો હતો. જેમાં ગ્રીષ્મા બચવાનો પ્રયાસ કરી રહી હતી. લોકો તેને છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ પતાવી દીધી હતી.

મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવાશે
આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ હાજર રહ્યા હતા. એફએસએલના બંને અધિકારીની જુબાની લેવાઇ હતી. હવે આજે મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવનાર છે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરે તેવી શક્યતા છે.

અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ
આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખએ સ્થળ પર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એફએસએલના અધિકારીની સર અને ઉલટ તપાસ બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરાય એવી શક્યતા છે. આ કેસની વિગત મુજબ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કામરેજ પીઆઇની જુબાની લીધી હતી. ત્યારબાદ બચાવપક્ષના વકીલ ઝમીર શેખએ કામરેજ પીઆઇની ઉલટ તપાસ લેવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top