સુરત : સુરતમાં ફરી તક્ષશિલા આગ કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. પાર્લે પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી નામથી ચાલતા ક્લાસિસમાં આ આગની ઘટના બની હતી. આગને કારણે ક્લાસિસમાં છ વિદ્યાર્થી ફસાઈ ગયા હતા. જોકે, સદ્દનસીબે તમામનો બચાવ થઈ ગયો હતો. બેદરકારીની વાત એ હતી કે આ ક્લાસિસ પાસે ફાયરનું એનઓસી જ નહોતું. જેને કારણે આગની ઘટના બાદ આ ઈન્સ્ટિટ્યુચને સીલ મારી તપાસ સરૂ કરવામાં આવી હતી.
પાર્લે પોઈન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રીતે ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજીના નામથી ક્લાસિસ ચલાવવામાં આવી રહ્યા હતા. આ ક્લાસિસમાં વિદ્યાર્થીઓને ફેશન ડિઝાઈનિંગ શીખવાડવામાં આવતું હતું. આજે અચાનક સવારે આ આગની ઘટના બની હતી. પાર્કિંગમાં સેકન્ડ બેઝમેન્ટના આ ક્લાસિસ ધમધમતો હતો. બુધવારની સવારે 08.37 કલાકે છ વિદ્યાર્થીઓ કલાસમાં હતા તે સમયે અચાનક એસીમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં મજુરા ફાયર સ્ટેશનના જવાનો દોડી ગયા હતા. બેઝમેન્ટમાં વાયરિંગ સળગતા સમગ્ર કલાસમાં ધૂમાડો ફેલાયો હતો. જ્યાં ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી પંદરેક મિનીટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઇલેકટ્રીક વાયરિંગ તેમજ એસીને નુકશાન થયું હતું. જોકે સમયસર જાણ ફાયર વિભાગને થતા કોઇ જાનહાનિ થઇ ન હતી. મજુરા ફાયરસ્ટેશનના અધિકારી નિલેશ દવે એ જણાવ્યું હતું કે, કલાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા સદનસીબે મોટી ઘટના બનતા ટળી હતી. ઘટના બન્યા બાદ તપાસ કરતાં ખબર પડી હતી કે આ ક્લાસિસ પાસે ફાયરનું એનઓસી જ નહોતું. જેને કારણે ક્લાસિસને સીલ મારી દેવામાં આવ્યું હતું.
ફરિયાદ કરવાની જવાબદારી ફાયરની છે: ઝોનલ ચીફ આશિષ દુબે, ગેરકાયદે વપરાશ હોવાથી ફરિયાદ કરવાની જવાબદારી ઝોનની છે: ડે.કમિ.
પાર્લે પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં સેકન્ડ બેઝમેન્ટમાં ગેરકાયદેસર ધમધમતા ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી અને તેમાં વિદ્યાર્થીઓ ફસાયા છતાં આ ગંભીર ઘટનાની જાણ મોડી સાંજ સુધી અઠવા ઝોનનના વડા આશિષ દુબેને નહોતી. તેમને એ પણ ખબર નહોતી કે આગ કોમ્પ્લેક્ષની અંદર ક્યાં લાગી છે. પહેલા તો તેઓએ જણાવ્યું હતું કે, આગ બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં લાગી હતી. પરંતુ બાદમાં તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોમ્પલેક્ષની અંદર સેકન્ડ બેઝમેન્ટમાં ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ ધમધમતું હતું. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવવા બાબતે પણ તેઓએ ફાયર વિભાગ પર જવાબદારી ઢોળતા કહ્યું હતું કે, ફાયરની એનઓસી ના હોય તો ફાયર વિભાગની જવાબદારી છે. આગની ઘટનામાં ઝોનને શું લાગે વળગે? ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પાસે એનઓસી નથી તો ફાયર વિભાગ પોલીસ ફરિયાદ નોંધાવશે. આ જ મુદે ફાયર વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પાસે એનઓસી પણ ન હતું અને આખું ગેરકાયદેસર ધમધમતું હતું. કોમ્પ્લેક્ષના સેકન્ડ બેઝમેન્ટમાં પાર્કિંગ અને સ્ટોરેજ સિવાય અન્ય કોઈ વપરાશ ન કરી શકાય. ત્યારે આ આખું જ ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદે હતું. જેથી તેમાં પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી પણ જે તે ઝોનની બને છે.
સુરતમાં એક જ મહિનામાં આગની ચોથી ઘટના
સુરત શહેરમાં એક જ મહિનામાં આ ચોથી ગોઝારી દુર્ઘટના સર્જાવા પામી છે. અલબત્ત, આ ઘટનામાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક થતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, આ અગાઉ રામપુરા ખાતે આવેલા રાજાવાડીમાં ગેરકાયદેસર ઓઈલ ડેપોમાં અગ્નિકાંડ બાદ કતારગામના સિંગણપોર ચાર રસ્તા પાસે ડિવાઈન સેન્ટરમાં આગ લાગતાં ૨૨ વિદ્યાર્થીઓને ફાયર વિભાગે ભારે જહેમત બાદ બચાવવામાં સફળતા સાંપડી હતી. આ સિવાય હાલમાં જ કતારગામના કિરણ હોસ્પિટલ પાસે જરીવાલા કમ્પાઉન્ડમાં પેરાફિટની દિવાલ ધરાશાયી થતાં બે નિર્દોષના મોત નિપજ્યાં હતા. આ ત્રણેય દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે આજની દુર્ઘટનામાં અઠવા ઝોન પોલીસ ફરિયાદ નોંધાવશે કે નહી તે જોવુ રહ્યું!