સુરત: મોટા વરાછાનાં સિલ્વર બિઝનેસ હબમાં શુક્રવારની રાત્રે અચાનક આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. તપાસ કરતા આગ મીટર પેટીમાં લાગી હોવાનું બહાર આવતા ફાયરના જવાનો (Firefighters) દોડી આવ્યા હતા. આગ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં ફાયરના જવાનોએ આગને કાબુમાં લઈ લેતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ 8:54 નો હતો. મોટા વરાછા વિસ્તારના સિલ્વર બિઝનેશ હબ નામની બિલ્ડીંગ ની મીટર પેટીમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. આગમાં સળગી રહેલી મીટર પેટી પર પાણીનો મારો કરી આગને કંટ્રોલ કરવામાં સફળ થયા હતા. જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.
યશ ગાલોરીયા (નજરે જોનાર)એ જણાવ્યું હતું કે રાત્રે સેલુંન ની દુકાન બંધ કરી ઘરે જતા હતા. ત્યારે દુકાનમાં કામ કરતા કર્મચારીની નજર સળગતી મીટર પેટી પર પડી હતી. મારા ધ્યાન પર આવતા જ ફાયર ને કોલ કરી દીધો હતો. એટલું જ નહીં પણ આગ લાગી હોવાનું જોઈને દોડી આવેલા વોચમેને ફાયરના સાધનો વડે આગ ને બહાર થી કાબુમાં લઈ લીધી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ મીટર પેટીની અંદર ની આગ પણ કંટ્રોલ કરી લીધી હતી.
ભપેન્દ્રસિંહ રાજ (ફાયર ઓફિસર, મોટા વરાછા) એ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી ગયા હતા. સિલ્વર બિઝનેસ હબ નામના કોમ્પ્લેશની મીટર પેટીમાં વીજ પુરવઠો સપ્લાય કરતી ઇલેક્ટ્રિકની મેઈન લાઈનમાં આગ લાગી હતી. પાણીનો મારો કરી આગ કંટ્રોલ કરી દેવાય હતી. જોકે મેઈન લાઈનના કેબલ સળગી ગયા હતા. ઘટનાની જાણ બાદ GEB અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. કેટલાક કલાકો સુધી આખું કોમ્પ્લેક્ષ અંધાર પટ રહ્યું હતું. જોકે રાતોરાત વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો.