સુરત: સુરતના (Surat) રામનગરમાં રવિવારની સવારના રોજ ફટાકડાની દુકાનમાં (Firecracker shop) ભીષણ આગ (Fire) લાગી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આગ સવારે 10.50ના રોજ લાગી હતી. ધટનાના પગલે ફટાકડાની દુકાનનું આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતાની સાથે જ રહેણાંક વિસ્તાર હોવાથી દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ધટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ સુરતના મોરાભાગળ વિસ્તારમાં આશરે સવારે 10.50 વાગ્યે વિજય ગારમેન્ટસની આગળ આવેલી સી.કે.ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં આગને પગલે આસપાસ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાની જાણ થતા 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
જણાવી દઈએ કે હાલ દિવાળીનો તહેવાર આવતો હોવાથી ફટાકડાની દુકાનમાં સ્ટોક ભરવામાં આવ્યો હતો.પરંતુ દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનનો માલ તેમજ દુકાનમાં આવેલી વસ્તુ જેવી કે કમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહતી મુજબ દુકાનના માલિક રાજેશભાઈ ડિપ્રેશનમાં હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તેઓ ઘટનાના પગલે સામાન્ય દાઝી ગયા હોવાની જાણકારી પણ મળી આવી છે.