સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ મિલમાં ગઈકાલે રાત્રે લાગેલી આગને (Fire) ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગ મોટી હોવાથી જુદાં જુદાં 10 ફાયર સ્ટેશનની 20 ગાડીએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. ત્રણ કલાક સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાત્રે પાંડેસરા પ્રયાગરાજ મિલમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરે મેજર કોલ જાહેર કરતાં જ શહેરના ભેસ્તાન, ડિંડોલી, ડુંભાલ, વેસુ, મજુરા, માન દરવાજા સહિત 10 ફાયર સ્ટેશનની 20 ગાડીનો કાફલો અને 80 જેટલા ફાયરબ્રિગ્રેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, મિલમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોના કાફલાએ ચારેય બાજુથી ઘટના ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. મોડી રાત્રે દોઢ વાગ્યા પછી તમામ ગાડીઓ પણ જે-તે ગેટ ઉપર પરત ફરી થઇ ગઈ હતી. આગને બુઝાવવા માટે એક લાખ લીટર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ લાગી ત્યારે મિલ બંધ હતી. જેથી જાનહાનિ ટળી ગઈ હતી.
ફાયરના એક માર્શલને ઈજા થઈ
પ્રયાગરાજ મિલમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગ્રેડના જવાનોએ જાનની બાજી લગાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયરના એક માર્શલ મહાવીર સોલંકી દાદર પરથી પગ લપસી જવાના લીધે તેને માથામાં ઈજા થઇ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. એક ગાડી સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી હતી તે પણ સવારે પરત ફરી ગઈ હતી. ઉપરાંત આગની ઘટનાને ધ્યાને રાખીને હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ સર્વન્ટ સહિતના સ્ટાફની સાથે સારવાર માટેનાં જરૂરી સાધનો સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ નહીં થઇ હતી અને કોઈને હોસ્પિટલ સુધી લાવવાની જરૂરી નહીં પડી હતી. જેથી રાહત થઇ હતી.