સુરત: ભટાર (Bhatar) પાસે આવેલી રૂપાલી નહેર નજીકના એક કોમ્પ્લેક્ષમાં કાપડની દુકાનમાં (Cloth Shop) મંગળવારની વહેલી સવારે આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનના (Fire station) જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જતા ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં કાપડનો જથ્થો અને સિલાઈ મશીન સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
- ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ વહેલી સવારના 5 વાગ્યાનો હતો
- ધુમાડો અને આગ બન્ને એક સાથે રૂમમાં ફરી વળતા લગભગ દોઢ થી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ
- શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક તારણ સામે આવ્યું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ વહેલી સવારના 5 વાગ્યાનો હતો. ઘટનાની જાણ બાદ સમયસર ફાયરના વાહનો પહોંચી જતા મોટી દુર્ઘટના ટાળવામાં સફળતા મળી હતી. ભટારના રૂપાલી નહેર નજીકનાં કોમ્પ્લેક્ષમાં આવેલી ફસ્ટ ફેશન નામની દુકાનનાં સિલાઈ વિભાગમાં આગ લાગી હતી. ધુમાડો અને આગ બન્ને એક સાથે રૂમમાં ફરી વળતા લગભગ દોઢ થી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ ગઈ હતી.
ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે ઘટના સ્થળે કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. કોમ્પ્લેક્ષની આજુબાજુની દુકાનો આગની ઝપેટમાં ન આવી જાય એની તકેદારી કરતા હતાં. જોકે સમય સર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગનું હજી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પ્રગ્નેશ પટેલ (દુકાન માલિક)એ જણાવ્યું હતું કે દુકાનમાંથી ધુમાડો નીકળતો હોવાનો કોલ મળતા ફાયરને જાણ કરવામાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક તારણમાં આવ્યું છે. આગમાં દુકાનનું એસી, સિલાઈ મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.