સુરત : રાંદેર ખાતે રહેતા વેપારીએ ગુગલ (Google) ઉપર ઓનલાઈન સર્ચ (Online Search) કરી ઇ-સ્કુટર લેવાના ચક્કરમાં 1.19 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- ગુગલ ઉપર સર્ચ કરી કોઈ પણ પેમેન્ટ ચુકવતા પહેલા સાવધાન
- ઠગે ગાડીનો અકસ્માત થતા પોલીસે ગાડી જમા લીધા હોવાથી છોડાવવા માટે બીજા 15 હજારની માંગણી કરતા ભાંડો ફુટ્યો
બનાવ અંગે મળતી માહિતી મુજબ રાંદેર ખાતે પર્લ હાઈટ્સમાં રહેતા 25 વર્ષીય મોહમદ આમીર મો.ઈલ્યાસ મેમણ ઋષભ ચાર રસ્તા પાસે સુપર સોલ્ટ નામની દુકાનમાં વેપાર કરે છે. તેમણે રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આમીરે ગત 25 એપ્રિલે ગુગલ ઉપર ઓનલાઈન ઇ-સ્કુટર લેવા માટે સર્ચ કર્યું હતું. સર્ચ કરીને ઓલ ઈ-સ્કુટર વેબસાઈટ પર આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળાએ પોતાની ઓળખ ઓલા ઈ સ્કુટરના મેનેજર ગુરુપ્રિતસીંગ મોહનસીંગ તરીકે આપી હતી. બાદમાં આમીર પાસે વોટ્સએપ ઉપર આઈડી અને આધારકાર્ડ મંગાવ્યા હતા. આમીરે ઈ સ્કુટર ખરીદવાની વાત કરતા ઠગે રૂપિયા 90 હજારનું સ્કુટર અને 20 હજારની સબસીટી મળશે તેવું કહ્યું હતું. બીજા કોઈને કોઈ બહાને ચાર્જ પેટે મળી કુલ 1.19 લાખ ઓનલાઈન પડાવ્યા હતા. પૈસા ચુકવ્યા બાદ પણ ગાડી નહી આવતા આમીરે 2 મેના રોજ ફોન કર્યો હતો. ત્યારે ઠગબાજે ગાડી ડિલેવરી માટે મોકલી આપી છે. પરંતુ અકસ્માત થતા ગાડી પોલીસે જમા કરી છે. અને છોડાવવા માટે રૂપિયા 15 હજારની માંગણી કરી હતી. આમીરને શંકા જતા તેની સાથે છેતરપિંડી થયાનું ખ્યાલ આવતા રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમે અડધા કલાકમાં 2.24 લાખ ઠગ પાસેથી પરત અપાવ્યા
સુરત : સાયબર ક્રાઇમે 2.24 લાખની ઓનલાઇન ઠગાઇ કરનાર વધુ એક ઠગનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. આ મામલે રાજેશકુમાર ભલ્લેરામ કનેરિયા (ઉં.વ.38) (રહે.,ડિંડોલી)નો બેંક એકાઉન્ટમાંથી ચેક બાઉન્સ થયો હતો. આ ચેક તે પ્રોફેશનલ કુરિયર સર્વિસમાંથી પરત આવી રહ્યો હોવાની વિગત બેંકે જણાવી હતી. દરમિયાન પ્રોફેશનલ કુરિયર સર્વિસમાં ચેકનું સ્ટેટસ જાણવા માટે ફોન કરતાં રાજેશકુમારને તેમની બેંક એકાઉન્ટની ડિટેઇલ માંગતો ફોન આવ્યો હતો. આ ચીટરે એની ડેસ્ક નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ બેંકની વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન આ ચીટરે ટુકડે ટુકડે કરીને 2.24 લાખની એમાઉન્ટ ભરી દીધી હતી. આ મામલે રાજેશને છેતરપિંડીનો ખ્યાલ આવતાની સાથે જ તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં પેટીએમ રિપેમેન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું માલૂમ પડતાં નોડલ ઓફિસને ફોન કરીને પોલીસે અડધો કલાકમાં તમામ નાણાં પરત અપાવ્યાં હતાં.