સુરત: સુરત (Surat) શહેર-જિલ્લાની 16 બેઠક ઉપર સરેરાશ 62 ટકા મતદાન (Voting) થયું છે. મતદાનના આંકડાઓના વિશ્લેષણ પરથી જણાય આવે છે કે છેલ્લી ત્રણ ચૂંટણીઓ કરતાં આ વખતનું મતદાન સાવ નિમ્ન રહ્યું છે. તેની પાછળ રહેલાં અનેક કારણો પૈકી એક કારણ એ પણ છે કે મતદાનની પ્રક્રિયા મંથર ગતિએ ચાલી રહી હતી. જેને કારણે મતદાન મથકો પર મતદાન માટે કતારો લાગેલી જોવા મળતી હતી. હજારો મતદારો એવા હશે કે જેઓ મતદાન કરતા વાર લાગશે એમ જાણીને કતાર જોઇને જ નીકળી ગયા હોઇ શકે.
સુરતમાં મતદાનના ટાઇમિંગ પર નજર કરીએ તો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કુલ 9 કલાક (540) મિનીટ મતદાન થયું હતું. 540 મિનીટમાં સુરત શહેર જિલ્લામાં કુલ 29,53,530 મતદાતાએ પોતાનો મત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં રજિસ્ટર્ડ કરાવ્યો છે. આમ પ્રતિ મિનીટે સુરતની 16 બેઠક પર સરેરાશ 5470 મત પડ્યા છે. હવે આટલા મતો સુરત શહેર જિલ્લામાં ઊભા કરવામાં આવેલા 4637 મતદાન બૂથો પર પડ્યા છે. જેનો ભાગાકાર કરવામાં આવે તો પ્રતિ મિનીટે સુરતના દરેક મતદાન બૂથ પર ફક્ત એક (1.17) મત પડી શક્યા છે. આ જ દર્શાવે છે કે, સુરતમાં મતદાન માટેની જે પ્રક્રિયા હતી એ ઘણો સમય માંગી લેતી હતી. એક મત આપવામાં જો 1 મિનીટ નીકળી જતી હોય તો 47.45 લાખ મતદારો આટલા સમયમાં કેવી રીતે મતદાન કરી શકે.
2017 કરતાં મતદાનની ટકાવારી ઘટના અનેક અટકળો
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે પૂર્ણ થતાં જ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ઊઠી રહી છે. કારણ કે, 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં 2022માં મતદાન ખૂબ જ ઓછું થતાં રાજકીય નેતાઓ માથું ખંજવાળી રહ્યા છે. ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં સુરત શહેરમાં ઘણાં કારણોસર મતદાન ઓછું થયું હોવાની ચર્ચા ઊઠી હતી. ઈવીએમમાં વોટ નાંખવા માટે વાર લાગતી હોવાની પણ ઘણી ફરિયાદો ઊઠી હતી. જેને કારણે ઘણા મતદારો મત આપ્યા વિના જ નીકળી ગયા હતા તેવું પણ જાણવામાં આવ્યું હતું. પરંતુ આ ઓછી ટકાવારીના કારણે કયા પક્ષને ફાયદો થશે અને કયા પક્ષનું નુકસાન એ જાણવું હાલ અઘરું સાબિત થઈ રહ્યું છે. જેથી વિવિધ અટકળો પણ થઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કામરેજ, વરાછા, કરંજ અને કતારગામ કે જે પાટીદારોની બહુમતોની બેઠક છે. આ તમામ બેઠકો પર 2017ની સરખામણીએ 2022માં ઓછું મતદાન થયું છે. આ તમામ બેઠકો પર સરેરાશ 4.40 ટકા ઓછું મતદાન થયું છે. જેથી રાજકીય સમીક્ષકો પણ કોઈ તારણ પણ આવી શક્યા નથી. 2017ની ચૂંટણીમાં કામરેજ, વરાછા, કરંજ અને કતારગામમાં અનુક્રમે 64, 63.63, 55.99, 65 ટકા મતદાન થયું હતું. જ્યારે 2022ની ચૂંટણીમાં અનુક્રમે 60, 56, 50, 64 ટકા મતદાન થયું છે. આ બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર છે, ત્યારે બંને રાજકીય પાર્ટીઓ પોતપોતાની જીતનો દાવો આ બેઠકો પર કરી રહ્યા છે. પરંતુ આ બેઠકો પણ કોણ બાજી મારે છે તે તો 8મી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.