સુરત: ગુજરાતના (Gujarat) રાજકારણનું એપી સેન્ટર મનાતા સુરતમાં (Surat) 12 બેઠક પૈકી નવાજૂની થઇ શકે તેવી જે ચાર-પાંચ બેઠક છે, તેમાં સુરત-ઉત્તર વિધાનસભા-160ની બેઠકનો સમાવેશ થાય છે. જો કોંગ્રેસ (Congress) કે આપના (AAP) ઉમેદવાર યોગ્ય મેનેજમેન્ટ અને જીતવા માટે એડીચોટીનું જોર લગાવે તો આ વખતે નવાજૂની થઇ શકે તેવી શક્યતા રાજકીય પંડિતો કરી રહ્યા છે. આ બેઠક મૂળ સુરતીઓની હતી, પરંતુ વર્ષ-1990માં ભાજપે (BJP) અહીંથી પાટીદાર કનુભાઇ માવાણીને મેદાનમાં ઉતારી કોંગ્રેસનો ગઢ ધ્વંસ કર્યો હતો, ત્યારથી સૌરાષ્ટ્રવાસીઓનો આ બેઠક પર કબજો છે. વિધાનસભાની ચૂંટણીમાં 20-22 હજારે ભાજપની જીત થાય છે. જો કે, અત્યાર સુધી માત્ર કોંગ્રેસ-ભાજપ વચ્ચે લડાઇ થતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારે તો માત્ર પોતાના દમ પર ચૂંટણી લડવી પડતી હતી.
જો કે, આ વખતે ભાજપના સીટિંગ ધારાસભ્ય કાંતિ બલરની સામે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને કોંગ્રેસમાંથી સુરત લોકસભાની બેઠક પર ચૂંટણી લડેલા અશોક અઘેવાડા મેદાને છે. આ બેઠક પર 35 હજારથી વધુ મતો મુસ્લિમ સમાજની સાથે 60 હજારથી વધુ મતો કોટ વિસ્તારના છે. જ્યારે બાકીના મતદારોમાં સૌરાષ્ટ્રવાસીઓ છે. તેથી આ બેઠક ભાજપનો ગઢ હોવા છતાં આ વખત અહીંથી કોટ વિસ્તારના નેતા રાકેશ માળીને ટિકિટ આપવા ભાજપના કાર્યકરોએ જોરદાર રજૂઆત કરી હતી. જો કે, ભાજપે કાંતિ બલરને જીતાડવાની જવાબદારી જ રાકેશ માળીને સોંપી દીધી છે. તેથી સમીકરણો જોતાં જો ભાજપને છેલ્લે સુધી જાગતા રહેવું પડે તેવી સ્થિતિ છે.
ગત ચૂંટણીમાં અહીં જીતનું માર્જિન 20 હજાર હતું
વર્ષ-1990થી આ બેઠક ભાજપનો ગઢ છે. વર્ષ-2012માં સુરત ઉત્તરમાંથી કતારગામ બેઠક અલગ પડી હતી. વર્ષ-2017માં કાંતિ બલર કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા દિનેશ કાછડિયા સામે 20022 મતથી જિત્યા હતા. જો કે, માત્ર 165901 મતદાર ધરાવતી આ બેઠક પર સમાવિષ્ટ એક વોર્ડમાં આમ આદમી પાર્ટીની પેનલ જીતી હતી. જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. વળી, કોટ વિસ્તાર અને મુસ્લિમ મતદારો બંને એક જ તરફ ઢળે તો નવાજૂની નોતરી શકે છે.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 કાંતિભાઈ બલર ભાજપ
2012 અજયકુમાર ચોક્સી ભાજપ
2007 નાનુભાઈ વાનાણી ભાજપ
2002 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1998 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1995 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1990 કનુભાઈ મવાણી ભાજપ
1985 ઇંદિરા સોલંકી કોંગ્રેસ
1980 કુષ્ણવદન પચ્ચીગર કોંગ્રેસ
1975 શંભુભાઈ પટેલ NCO
1972 કુષ્ણવદન પચ્ચીગર કોંગ્રેસ
1967 પી.એમ.વ્યાસ કોંગ્રેસ
વોટબેંકનાં સમીકરણ
કુલ મતદાર 165901
પુરુષ ૮૬૦૫૯
મહિલા ૭૭૦૫૩
પટેલ 52578
મુસ્લિમ 35134
પ્રજાપતિ 16886
પરપ્રાંતિય 15753
રાણા 11248
એસ.સી/એસ.ટી. 10682
ઘાંચી 8116
ખત્રી 3495
બ્રાહ્મણ-વાણિયા 12009
કાંતિભાઇ બલર (ભાજપના ઉમેદવાર)
સૌરાષ્ટ્રવાસી પાટીદાર નેતા કાંતિભાઇ બલર સતત બીજી વખત ધારાસભ્ય બનવા અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. બહુ ભણેલા નથી પરંતુ ગણેલા નેતાઓમાં તેની ગણના થાય છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા કાંતિ બલર ડાયમંડ ઉદ્યોગપતિ લાલજી ઉગામેડીના બનેવી છે અને ઉદ્યોગપતિઓનો તેમને ટેકો છે. સ્વભાવે સરળ અને બિનવિવાદી છે.
મહેન્દ્ર નાવડિયા (આપના ઉમેદવાર)
આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર નાવડિયા યુવા પાટીદાર નેતા છે. એચએસસી સુધી ભણ્યા છે. પરંતુ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તે આપના સુરત શહેર પ્રમુખ છે, કોઇ વિવાદમાં ક્યારેય આવ્યા નથી. અહીં પાટીદારો અને સૌરાષ્ટ્રવાસી મતદારમાં આપની પકડ જોતાં મહત્ત્વનું ફેક્ટર બની શકે છે.
અશોક અઘેવાડા : (કોંગ્રેસના ઉમેદવાર)
કોંગ્રેસના ઉમેદવાર અશોક અઘેવાડા વર્ષ-2019માં સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. વ્યવસાયે જમીન અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે તે ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને આ બેઠક જીતવા માટે જેના પર મદાર છે તે પાટીદાર વોટબેંકમાં ગાબડું પાડી હારજીતનાં સમીકરણો બદલી શકે તેવી આશંકા છે.