SURAT

અગાઉ બે વખત ઇમ્પેક્ટ ફીની સ્કીમમાં સુરતમાં 237781 મિલકત કાયદેસર થઈ હતી

સુરત: વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં મતદારનો રીઝવવા માટે રાજ્ય સરકારે ફરી એકવાર ગેરકાયદે મિલકતોને કાયદેસર કરવા માટેની જોગવાઇ કરતાં ઇમ્પેક્ટ ફીની (Impact Fee) સ્કીમને મંજૂરી આપી છે. જો કે, ગેરકાયદે બાંધકામોના જંગલસમાન સુરતમાં (Surat) તેનો મહત્તમ લાભ લેવા મિલકતદારો પણ તલપાપડ થઇ રહ્યા છે. ત્યારે એ યાદ કરવું રહ્યું કે, અગાઉ વર્ષ-2001 અને 2011માં જ્યારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ આવી હતી ત્યારે સુરતમાં 2.37 લાખથી વધુ મિલકતદારોએ આ સ્કીમનો લાભ લઇ પોતાની મિલકતના ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી દીધું હતું.

  • અગાઉ બે વખત ઇમ્પેક્ટ ફીની સ્કીમમાં સુરતમાં 237781 મિલકત કાયદેસર થઈ હતી
  • વરાછા અને કતારગામ ઝોનમાં અરજીઓનો રાફડો ફાટ્યો હતો
  • ગેરકાયદે બાંધકામોના જંગલસમાન સુરતમાં તેનો મહત્તમ લાભ લેવા મિલકતદારો પણ તલપાપડ થઇ રહ્યા છે
  • પ્રથમ વખતની સ્કીમમાં મનપાને 90.3 કરોડ અને બીજી વખત 315.1 કરોડની આવક થઇ હતી

વિસ્તૃત વિગતો મુજબ વર્ષ-2001માં તત્કાલીન કેશુભાઇ પટેલ સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ અમલમાં મૂકી હતી, જેમાં સુરત શહેર મનપા વિસ્તારમાં માત્ર 17463 અરજી આવી હતી. એ પૈકી 2459 અરજી રિજેક્ટ થઇ હતી. જ્યારે 15004 મિલકતની અરજી માન્ય રહેતાં આ બાંધકામોને કાયદેસરતા આપી દેવાઇ હતી. બીજી વખત 2011માં મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્કીમ મુકાઇ હતી, જેમાં સુરતમાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. આ વખતે 306126 અરજી આવી હતી, જેમાંથી 83349 અરજી રિજેક્ટ થઇ હતી. જ્યારે 222777 અરજી માન્ય રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખતની સ્કીમમાં મનપાને 90.3 કરોડ અને બીજી વખત 315.1 કરોડની આવક થઇ હતી. આમ, બંને વખત મળી કુલ 323589 અરજી માન્ય રહી હતી. અને મનપાને કુલ 405.4 કરોડની આવક થઇ હતી. ખાસ કરીને કતારગામ અને વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોય, અહીં સૌથી વધુ અરજીઓ આવી હતી.

Most Popular

To Top