SURAT

સુરતની લિંબાયત બેઠક પર 3 EVMનો ઉપયોગ કરાશે

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની સામાન્ય ચૂંટણીના (Election) પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી તા.01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યાં છે. જયારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 1515 ઉમેદવાર ચૂંટમી લડી રહ્યાં છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતની લિંબાયત બેઠકપર 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે.

રાજ્યમાં ચૂંટણી આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 2,89,225 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે.c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 1,326 ફરિયાદો મળી છે, તે પૈકી 1,322 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top