SURAT

સુરતમાં પંદર વર્ષથી ન્યાય માટે પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઘસતા વૃદ્ધને આખરે ન્યાય મળ્યો

સુરત: પાંડેસરામાં (Pandesara) 15 વર્ષ પહેલાં યુવાન પુત્રની (Son) હત્યાનો આરોપી હજી સુધી નહીં પકડાતાં વૃદ્ધ (Elder) પોલીસ (Police) કમિશનરના દરબારમાં પહોંચ્યો હતો. એકના એક દીકરાની હત્યા (Murder) બાદ પોલીસ દ્વારા જ્યારે કોઇ સપોર્ટ મળ્યો ન હતો ત્યારે કમિ. અજય તોમરને આ વૃદ્ધે ભીંની આંખે વ્યથા રજૂ કરતાં કમિ. તોમરે એસઓજીને દોડાવી હતી. પોલીસ ધારે તો કાંઇ પણ કરી શકે. પરંતુ તેમાં ઇમાનદારી અને કર્મનિષ્ઠતા હોવી જોઇએ તે બાબત આખરે કમિ. તોમરે સાર્થક ઠેરવી છે. વૃદ્ધની વ્યથા સાંભળીને તોમરે તાત્કાલિક એસઓજીને કામ સોંપ્યું હતું. એસઓજીની ટીમે પાંડેસરા પોલીસ પાસેથી માહિતી મેળવી આરોપીને તેના વતનમાંથી ઊંઘમાંથી જ દબોચી લીધો હતો.

એક વૃદ્ધ પોલીસ કમિશનર અજયકુમાર તોમર પાસે ન્યાયની ગુહાર લગાવવા આવ્યો હતો. વૃદ્ધે કમિશનરને રૂબરૂ મળી પોતાની ફરિયાદ જણાવી હતી, જેમાં વર્ષ-2007માં એક ઓડિશાવાસી યુવક દ્વારા નજીવા ઝઘડાની અદાવતમાં આ વૃદ્ધના યુવાન પુત્રને પથ્થર વડે રહેંસી નાંખી હત્યા કરાઈ હતી. તેમના પુત્રની હત્યાનો આરોપી હજી સુધી પકડાયો નથી. જેથી પોલીસ કમિશનરે તાત્કાલિક એસઓજીની ટીમને બોલાવી આ વૃદ્ધને ન્યાય અપાવવા માટે સૂચના આપી હતી. એસઓજી દ્વારા પાંડેસરા પોલીસ પાસેથી હત્યાના બનાવ બાબતે વિગતો મેળવવામાં આવી હતી. જેમાં આરોપી આકાશ ઉર્ફે ટુકુના ઉર્ફે સાહેબ ખદાર પાત્રાવાળાની સંડોવણી જણાઈ આવી હતી. એસઓજીએ આરોપી બાબતે તમામ માહિતી પાંડેસરા પોલીસ પાસેથી મેળવી બાદમાં તેની શોધખોળ હાથ ધરી હતી. આરોપી ઓડિશા ખાતેથી નાસી જાય એ પહેલા તેને ઝડપી પાડવા એસ.ઓ.જી.ની ટીમ બનાવી તેમને તુરંત જ ઓડિશાની ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી આકાશ ઉર્ફે ટુકુના ઉર્ફે સાહેબ ખદાર પાત્રાવાળાને તેના ઘરમાંથી તે કાંઈ પણ સમજે વિચારે તે પહેલાં ઊંઘતો જ દબોચી લીધો હતો.

પાંડેસરા પોલીસને દર વખતે ચકમો આપી ભાગી જતો હતો
પાંડેસરા પોલીસ આરોપીને પકડવા માટે અવારનવાર તેના વતન ખાતે તપાસમાં ગઈ હતી. પરંતુ આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે ઓડિશાના ગંજામ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર છે. આરોપી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પૂરેપૂરો વાકેફ હોવાથી તે પોલીસ પહોંચે એ પહેલા જ ત્યાંથી નાસી જતો હતો. જેથી તેનો પકડવો ખૂબ જ મુશ્કેલ હતું.

છાતીના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી હતી
આરોપીની પૂછપરછ કરતાં તે પોતે વર્ષ-2007માં સુરતના સચિન ઉન ખાતે રહેતો હતો. ત્યારે સચિન રોડ નં.4 ઉપર મોબાઈલ તથા ઘડિયાળ રિપેરિંગની દુકાન ચલાવતા તેના મિત્ર આસિફ ઉર્ફે ગોલ્ડન પાસેથી પોતાની સ્કુટીના બદલામાં મોબાઈલ ફોન આપવા જણાવ્યું હતું. તેના મિત્રએ મોબાઈલ ફોન આપવાની ચોખ્ખી ના પાડી હતી. જેથી તેની સાથે આ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ 30 ઓક્ટોબર-2007ના રોજ મરણ જનાર ભેસ્તાન ઉન જકાતનાકા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે મળ્યો હતો. અને તેની સાથે ફરી મોબાઈલ ફોન આપવા બાબતે ઝઘડો થયો હતો. તેણે ઝઘડાની અદાવતમાં બાજુમાં પડેલા મોટા પથ્થર વડે મરણ જનારના છાતીના ભાગે ગંભીર ઇજા કરી તેની હત્યા કરી હતી. પોતે સુરતથી ભાગીને કેરલા ત્રીચુર ખાતે રહેવા જતો રહ્યો હતો. ત્યાં કડિયાકામની મજૂરી કામ કરી પોતાના ગામ આવતો જતો હતો. અને ત્યારથી પોલીસની નજરથી નાસતો ફરતો હતો.

Most Popular

To Top