ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે આક્રમક હુમલા બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર પર પડી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને સુરતથી દુબઈ જતી ફ્લાઈટ આગામી 24 કલાક માટે રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે અનેક મુસાફરો અટવાયા છે અને એરપોર્ટ પર દોડધામ મચી ગઈ છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર અસર માત્ર સુરત જ નહીં, પરંતુ ઈરાનના હુમલા બાદ ભારતભરના વિવિધ શહેરોથી દુબઈ અને ખાડી દેશોમાં જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મોટી અસર જોવા મળી રહી છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં જોખમ લેવા તૈયાર નથી, પરિણામે હવાઈ માર્ગોમાં ફેરફાર અથવા ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા એ સર્વોપરી હોવાનું જણાવીને એર ઇન્ડિયાએ હાલ પૂરતી તમામ ઉડાનો સ્થગિત કરી દીધી છે, જેની અસર આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગ પર આ યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ અંગે હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાક-ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે એર લાઈન્સ કંપનીઓએ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. સુરતથી દુબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ બંધ થતાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને જે વેપારીઓ બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ માટે જતા હોય છે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોના વ્યવહાર અટકી શકે દુબઈમાં હીરાના વેપાર માટે ટેન્ડર સિસ્ટમ અમલમાં હોય છે, જેમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. દિનેશ નાવડિયાએ વધુમાં ઉમેર્યું કે, જે વેપારીઓની ટેન્ડર માટેની તારીખ આજની કે આવતીકાલની હતી, તેઓ ફ્લાઈટ રદ થવાને કારણે ડેટ ચૂકી જશે. આ ટેન્ડરની આગામી તારીખ ક્યારે મળશે તેનું કોઈ અનુમાન કરવું અત્યારે મુશ્કેલ છે. આ સ્થિતિને કારણે હીરાના સોદાઓ અટકી પડવાની ભીતિ સેવાઈ રહી છે.
રિફંડ અથવા ફ્લાઈટ રિ-શેડ્યુલિંગની માહિતી મેસેજથી મળશે એર ઇન્ડિયા એક્સપ્રેસના સત્તાવાર સૂત્રો મુજબ, આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં ઉદ્ભવેલી અનિશ્ચિતતાને કારણે ફ્લાઈટ રદ કરવી અનિવાર્ય હતી. મુસાફરોને રિફંડ અથવા ફ્લાઈટ રિ-શેડ્યુલિંગ અંગેની માહિતી મેસેજ દ્વારા આપવામાં આવી રહી છે. હાલની સ્થિતિમાં દુબઈ જતી ફ્લાઈટ ક્યારે ફરી શરૂ થશે તેનો આધાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર નિર્ભર છે. એરપોર્ટ પર ફ્લાઈટ રદ થવાના સમાચાર મળતા જ મુસાફરોમાં નિરાશા જોવા મળી હતી. યુદ્ધની સુરતના હીરા બજારને અસર ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષની અસર માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આર્થિક રીતે પણ સુરતને ફટકો પાડી રહી છે. રફ હીરાની ખરીદી અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે દુબઈ એક મહત્વનું હબ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સુરતના હીરા બજારમાં મંદી અને માલની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં વેપારીઓ ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યા છે.
આગામી 24 કલાક ખૂબ જ મહત્વના હાલ એર ઇન્ડિયા એક્સપ્રેસે માત્ર 24 કલાક માટે ફ્લાઈટ રદ કરી છે, પરંતુ જો સ્થિતિ વધુ વણસશે તો આ સમયગાળો લંબાવવામાં આવી શકે છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ઓછી હોવાને કારણે આ એકમાત્ર ફ્લાઈટ રદ થવી એ વેપારીઓ માટે મોટું નુકસાન સાબિત થઈ રહ્યું છે. તંત્ર દ્વારા વિદેશ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટેન્ડર સિસ્ટમની અંદર એપોઇન્ટમેન્ટ રદ થતાં મુશ્કેલી હીરાના વેપારી દિનેશ નવડિયાએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અમેરિકા સંયુક્ત ઈરાન સાથે યુદ્ધની શરુઆત થઈ ગઈ છે. આ યુદ્ધની શરૂઆતના કારણે ઘણી એર કંપનીઓએ પોતાની ફ્લાઈટો રદ કરી છે. આમાં સુરતને રીલેટેડ વાત કરીએ તો સુરતની અંદરથી ઉપડતી ફ્લાઈટ એર ઇન્ડિયાની 24 કલાક માટે અત્યારે કેન્સલ કરવામાં આવી છે. આ ફલાઈટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે ખૂબ સરળ થઈ ગયું હતું દુબઈ જવા આવવાનું. પરંતુ ટેન્ડર સિસ્ટમની અંદર એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવામાં આવતી હોય છે. જે લોકોને આવતી કાલની ટેન્ડરની તારીખ હોય આજની તારીખ હોય એ લોકોની તારીખ ચુકી જશે, નેક્સ્ટ તારીખ એને ક્યારે મળે એનું કોઈ અનુમાન કરવું મુશ્કેલ છે. એટલે ચોક્કસ આ યુદ્ધની ઇફેક્ટની શરૂઆત હીરા ઉદ્યોગને ઇફેક્ટેડ થવાની શરૂઆત થઈ છે.