સુરત: સુરત (Surat) આવકવેરા વિભાગ (IT Dept) પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો છે જેમાં સુરતના જાણીતા મહિલા ડોક્ટર (Lady doc)ના નામે ટીડીએસ (TDS)ની રકમ કાપી ઉત્તરપ્રદેશની કંપનીએ તે રકમ આવકવેરા વિભાગમાં જમા કરી દીધી હતી. આ રકમ સુરત આવકવેરા વિભાગને ફોર્મ નંબર-26 (AM)માં દેખાતા વિભાગે આ મહિલા તબીબને 5.60 લાખ રૂપિયાનો ટેક્સ (tax) ચૂકવવા નોટિસ પાઠવતા મહિલા તબીબ ચોંકી ઉઠયા હતાં.
નોટિસ સાથે આવેકવેરા વિભાગની કચેરીમાં પહોંચેલા મહિલા તબીબની રજૂઆત હતી કે ઉત્તરપ્રદેશની જે કંપનીએ ટીડીએસ કાપીને ઇન્કમ ટેક્સમાં જમા કરાવ્યું છે તે કંપની સાથે તેમણે કોઇ નાણાકીય લેવડ-દેવડ કરી નથી અને તે કંપની કે તેના સંચાલકોને તેઓ ઓળખતા પણ નથી. વિભાગને તપાસ દરમિયાન એવી શકયતા જણાઇ છે કે ઉત્તરપ્રદેશની કંપનીએ ટીડીએસ રિટર્ન ભરતી વખતે પાનકાર્ડની ખોટી માહિતી આપી હોય શકે છે. તેમા મહિલા તબીબનો પાનકાર્ડ ભૂલથી અથવા ઇરાદા પૂર્વક નાંખ્યો હોવાથી આવકવેરા વિભાગ સુરતના એએસમાં 5.60 લાખની રકમનો ટેક્સ બાકી દર્શાવે છે.
આ પ્રશ્નનો સ્થાનિક સ્તરે ઉકેલ નહીં આવતા મહિલા તબીબે સીઆઇટી અપીલમાં રજૂઆત કરી હતી. ત્યાં પણ તેમની દલીલો ગ્રાહ્ય નહીં રાખી મામલો લટકાવી રાખવામાં આવતા મામલો ટ્રિબ્યુનલમાં ગયો હતો જયાં મહિલા તબીબની પૂરાવાઓ સાથેની રજૂઆત માન્ય રાખવામાં આવી છે અને તેમને ન્યાય આપવામાં આવ્યો છે. સીએ અનુ આકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે યુપીની કંપનીએ કોઇ બીજાના પાનકાર્ડ નંબરને સુરતની મહિલા ડોક્ટરનો પાનકાર્ડ નંબર ટીડીએસ રિટર્નમાં નાંખી દીધો હોવાથી આ સમસ્યા ઊભી થઇ હતી. સીએ સુરેશ કાબરાએ જણાવ્યું હતું કે ટીડીએસ કાપ્યા પછી કંપની કે ફર્મ રિટર્ન ફાઇલ કરતી વખતે પાનકાર્ડનો એકાદ નંબર ખોટો ભરે તો નંબર જે વ્યકિતનો હોય તેના નામે ટીડીએસની રકમ જમા થઇ જતી હોય છે અને આવી સ્થિતિ સર્જાતી હોય છે. જેમાં વ્યકિતએ લેવા-દેવા વિના નાહક પરેશાન થવું પડતું હોય છે.
કોઇપણ પ્રકારના આર્થિક વ્યવહાર વિના મહિલા તબીબને આઇટી, આઇટી અપીલ અને ટ્રિબ્યુનલ સુધીનો લીગલ ખર્ચ કરવો પડયો
સુરત : સુરતના જાણીતા મહિલા તબીબે ઉત્તરપ્રદેશની કોઇપણ કંપની સાથે નાણાકિય લેવડ-દેવડ કે આર્થિક વ્યવહાર કર્યો નહીં હોવા છતાં ખોટી રીતે ટીડીએસ રિટર્નમાં તેમનો પાનકાર્ડ નંબર દાખલ થતા 5.60 લાખની ગેરકાયદે લાયેબિલિટી ઊભી થઇ હતી. એટલુ જ નહીં આવકવેરા વિભાગની ઝડતાને લીધે મહિલા તબીબને આઇટી, આઇટી અપીલ અને ટ્રિબ્યુનલ સુધીનો લીગલ ખર્ચ કરવો પડયો હતો. તે દર્શાવે છે કે કોઇપણ પ્રમાણિક માણસને હેરાન કરવો હોય તો ટીડીએસ કપાતની રકમ તેમનો પાનકાર્ડ નંબર મેળવી ભરી દેવાથી નિદોર્ષ માણસને પણ મુશ્કેલીમાં મૂકી શકાય છે.