સુરત: સુરતના (Surat) નાના હીરાના વેપારીઓ, ડોક્ટર, સીએ., બિલ્ડર સહિતના વ્યવસાયીઓ રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધના (War) પ્રારંભે રફ ડાયમંડના ભાવો વધવાની લાલચે રફ હીરામાં (Diamond) રોકાણ (Invest) કરી ભેરવાયા છે. રશિયન માઇનિંગ કંપની અલરોસાના હીરા વેચાણ પર અમેરિકાના પ્રતિબંધ પછી કંપનીએ મોસ્કો વાયા દુબઇ થઈ મુંબઇ, સુરતમાં રફનો મોટો જથ્થો ડિસ્કાઉન્ટ ભાવે ઠાલવી દેતા રોકાણકારોને મુદ્દલ ભાવ કરતા 20 ટકા નુકસાન વેઠી રફ વેચવાનો વારો આવ્યો છે.
- લોકો હીરા ખરીદવા માટે બોલી લગાડીને ફરી ગયા
- વેપારીઓ બોલીની ખરીદીની રકમથી ફરી જતાં માર્કેટમાં અવિશ્વાસનો માહોલ ઉભો થયો
- રોકાણકારોને મુદ્દલ ભાવ કરતા 20 ટકા નુકસાન વેઠી રફ વેચવાનો વારો આવ્યો છે.
સુરતના વરાછા મીની બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજારમાં રફની કિંમતમાં જે બોલી લાગી હતી તે કિંમતે રફ ખરીદવા વેપારીઓએ ઇન્કાર કર્યો હતો. એક મહિના પહેલા રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે સમયે રફ હિરાની કિંમતમાં સાધારણ વધારો નોંધાયો હતો. રફ હીરાની સપ્લાય ઓછી થશે એવી અપેક્ષાએ ઊંચી કિંમતની રફ તેજીમાં ખરીદી લીધા પછી 20 ટકા ભાવોમાં ગાબડું પડતા મોટી સંખ્યામાં રોકાણકારો ભેરવાયા છે. ડોલરમાં રફની ખરીદી કરી રૂપિયામાં વેચવા જતા કરન્સીનો ઘસારો પણ વેઠવો પડ્યો છે. કારણકે મોટી સંખ્યામાં રફની સપ્લાય સુરતમાં થઈ છે. એક મહિના અગાઉ હીરા બજારોમાં બોલી દરમ્યાન મોટો લોટ નોંધાવનાર હીરા વેપારીઓ હવે તૂટતાં ભાવે રફ ખરીદવા માંગતા નથી. હીરા બજારના અગ્રણી ગોરધન કીકાણીએ જણાવ્યું હતું કે જે લોકો હીરા ખરીદવા માટે બોલી લગાડીને ફરી ગયા છે તેમની સામે કોઈ લીગલ એક્શન લઇ શકાય એમ નથી. કારણકે આ સોદા મૌખિક હતા. વેપારીઓ બોલીની ખરીદીની રકમથી ફરી જતાં માર્કેટમાં અવિશ્વાસનો માહોલ ઉભો થયો છે. કાયદેસર રીતે કશું થઇ શકે તેમ નથી પરંતુ, હવે ઓળખાણ કે દલાલ વચ્ચે હશે તો પણ વેપારી હીરા વેચાણથી આપતી વખતે મજબૂત ગેરેન્ટર શોધશે, અજાણ્યા સાથે વેપાર કરશે નહીં.