SURAT

હીરા ઉદ્યોગમાં બેલ્જિયમ સાથે ભારતની સરખામણીની 1988ની એ ભવિષ્યવાણી સુરતે ખોટી સાબિત કરી

સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) દ્વારા આયોજિત વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશેના વેબિનાર (Webinar)ને સંબોધતા સેવંતીભાઇ શાહે જણાવ્યું હતું કે, મેટ્રીક બાદ મુંબઇ જઇને આગળ ભણવાનું નક્કી કર્યું હતું. પણ સંજોગો એવા બન્યા કે આગળ ભણવાનું માંડી વાળી હીરાના ધંધા (diamond industry)માં આવ્યા હતા.

ગોપીપુરામાં હીરાની ઓફિસ હતી અને લંબે હનુમાન રોડ ઉપર કારખાનું હતું, તે સમયે હીરાના ધંધામાં કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ-1988 જ્યારે એન્ટવર્પમાં અન્ય હીરા ઉદ્યોગકારો સાથેની મીટિંગ મળી હતી. એ સમયે હીરા ઉદ્યોગમાં વિશ્વ કક્ષાએ સારું નામ ધરાવતા સ્થાનિક મહાનુભાવે એવું કહ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં હાલ બેલ્જિયમ જે લેવલે છે તે લેવલે ભારત 50 વર્ષમાં પણ આવી શકશે નહીં.

મહાનુભાવની આ વાતને ચેલેન્જ સમજીને તે સમયે માત્ર મોટા અને મોંઘા હીરાની રફ લેવાનું નક્કી કર્યું હતું અને મોટા હીરા બનાવવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમણે હીરા ઉદ્યોગમાં મોટા અને મોંઘા હીરા બનાવવાની શરૂઆત કરી હતી, તે સમયે માત્ર મુંબઇમાં જ થોડા ઘણા પ્રમાણમાં મોટા હીરા બનતા હતા. ધીરે ધીરે હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ તેમના નવા કોન્સેપ્ટ સાથે જોડાતા ગયા હતા અને હીરા ઉદ્યોગ ડેવલપ થઇ ગયો. ત્યારબાદ તેમણે નવા કોન્સેપ્ટ સાથે સેન્ટ્રલ એર કન્ડિશન મોટી ઓફિસનું નિર્માણ કર્યું હતું. તે સમયે હીરાના સવાથી દોઢ લાખ જેટલા કારીગરો બેલ્જિયમ તથા ઇઝરાઇલમાં કામ કરતા હતા અને હવે આજે કારીગરો જ નહીં પણ સમગ્ર હીરા ઉદ્યોગ સુરત આવી ગયો છે.

એક પેકેટ, એક હીરો સ્કીમ ચાલુ કરી: હીરાઉદ્યોગમાં ગ્રેચ્યુઇટી આપવાનું શ્રેય પણ સેવંતીભાઈને ફાળે

શાહે વધુમાં જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં કર્મચારીઓને બપોરનું જમવાનું આપવાની શરૂઆત કરી હતી. એક પેકેટ એક હીરો સ્કીમ ચાલુ કરી હતી અને કર્મચારીઓ પાસે આઠ કલાક જ કામ કરવાનું નક્કી કર્યું હતું. રત્નકલાકારોને બચત કરેલાં નાણાં ભવિષ્યમાં કામ લાગી શકે એ માટે પહેલીવાર પ્રોવિડન્ટ ફંડ કાપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જે કર્મચારીઓનાં પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેમને ગ્રેચ્યુઇટી આપવાની શરૂઆત કરી હતી. સાથે જ કર્મચારીઓને પેન્શન સ્કીમમાં આવરી લીધા હતા. કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવાની સુવિધા ઊભી કરી હતી અને તેમને ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનનો પણ પગાર આપવામાં આવે છે.

2008ની ભયાનક મંદીમાં પણ કર્મચારીઓનું વેતન યથાવત રાખ્યું હતું

વર્ષ-2008માં હીરા ઉદ્યોગમાં મોટાપાયે મંદીનું વાતાવરણ સર્જાયું હતું. તે સમયે જ્યારે સમગ્ર હીરા ઉદ્યોગનું કામકાજ બંધ થઇ ગયું હતું, ત્યારે પણ ફેક્ટરી ચાલુ રાખી હતી. કોઇપણ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો ન હતો અને પગાર ઘટાડવામાં પણ આવ્યો ન હતો. કર્મચારીઓએ પણ ક્વોલિટી પ્રોડક્શન માટે ફેક્ટરી મેનેજમેન્ટનાં સૂચનોનું પાલન કરી મેનેજમેન્ટને સહકાર આપ્યો હતો. ત્યારબાદ થોડાક મહિના બાદ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી ગયો હતો. કોરોના કાળમાં પણ લોકડાઉન દરમિયાન હીરાની ફેક્ટરીઓ બંધ રહી હતી. તે સમયે પણ કર્મચારીઓને પગાર આપી તેમની તથા તેમના પરિવારજનોની કાળજી રાખવામાં આવી હતી.

Most Popular

To Top