સુરત: શહેરના બમરોલી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) બેદરકાર સરકારી કર્મચારીઓ દ્વારા ગ્રાહકને ૬.૧૪ કરોડ રૂપિયાનું વીજ બિલ (Light bill) ફટકારતાં ગ્રાહકને આંખે અંધારા આવી ગયા હતા. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા (Social Media) ઉપર આજે બમરોલી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું લાઈટ બિલ વાયરલ થઈ રહ્યું છે. આ લાઈટ બિલ વાઇરલ થવાનું કારણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકને લાઈટ બિલ ફટકારવામાં આવ્યું છે. જેમાં ૬.૧૪ કરોડ રૂપિયા લાઈટ બિલની રકમ જોવા મળી રહી છે.
આટલી મોટી રકમનું બિલ તો મુકેશ અંબાણીના મહેલ એન્ટેલિયામાં પણ આવતું નથી. અને સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા વ્યક્તિનું બીલ ૬.૧૪ કરોડ રૂપિયા આવ્યું છે. આટલું મોટું બિલ આવવાનું મુખ્ય કારણ વીજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સરકારી કર્મચારીઓની મહેરબાની છે. જ્યારે બીલ આપવામાં આવ્યું ત્યારે આટલા બધા આંકડા જોઈને ગ્રાહક પણ ગુંચવાઈ ગયો હતો કે હકીકતમાં બીલની રકમ કેટલી છે? પછી ગણતરી કરતા ખબર પડી કે આ તો ૬.૧૪ કરોડની રકમ છે. આ જોઈને ગ્રાહકને આંખે અંધારા આવી ગયા હતા. હવે આવી ભુલો જો વીજ કંપનીના જવાબદાર અધિકારી કરશે તો ગ્રાહકોની શુ દશા થશે તે વિચારવાનું રહ્યું.
શહેરમાં એક જ રાતમાં 3 સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરીએ પોલીસની ઉંઘ ઉડાડી
સુરત : શહેરમાં એક રાતમાં 3 સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી થતા પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. શહેરના અડાજણ વિસ્તારમાંથી બે અને પૂણા વિસ્તારમાંથી એક સ્વીફ્ટ ડિઝાયર ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જો તમે સુરત શહેરમાં રહેતા હોવ અને તમારી પાસે સ્વીફ્ટ ડીઝાયર કાર હોય તો સાચવજો. કારણકે સુરતમાં સ્વીફ્ટ કારની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકીએ એક જ રાતમાં શહેરમાંથી 3 સ્વીફ્ટ કાર ચોરી લીધી છે. અત્યાર સુધી ઇકો કારની ચોરી થવાની ઘટનાઓ બનતી હતી. હવે સ્વીફ્ટ કારની ચોરીએ પોલીસ માટે પણ પડકાર છે. શહેરના પૂણા ગામ અને અડાજણ વિસ્તારમાંથી ત્રણ સ્વીફ્ટ ડીઝાયર કાર ચોરાયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આ ચોર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસ દ્વારા સ્વીફ્ટ કાર ચોરીને લઈ જતા ચોર ટોળકીના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે.
આ ત્રણ બનાવ પૈકી પહેલા કેસની વિગત એવી છે કે વેપારી અશોક દામજી પટેલ પૂણામાં આઈમાતા રોડ પર સપ્તર્ષિ રોહાઉસમાં રહે છે. તેઓએ તા. 21મીના રોજ સ્વીફ્ટ ડિઝાયર કાર બંગલાની બહાર યુનિટી હોસ્પિટલની બાજુમાં પાર્ક કરી હતી. ત્યારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યાઓ ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી અથવા તો કાચ તોડી કાર ચોરી ભાગી ગયા હતા. કાર ચોરીના બીજા બે બનાવ અડાજણમાં બન્યા છે. અડાજણમાં એલપી સવાણી રોડ પર પર્ફોમીંગ આર્ટ સેન્ટરની બાજુમાં ભવન્સ રેસીડેન્સી ખાતે રહેતાં જમીન દલાલ કશ્યપ ચંદ્રકાંત જાનીએ આર્ટ સેન્ટરના ફૂટપાથ પરના પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. ત્યારે 20 ઓગસ્ટની રાતે અજાણ્યાઓ કાર ચોરી ગયા છે. છેલ્લો બનાવ હનીપાર્ક રોડ પર બન્યો છે. અહીં સરસ્વતી સ્કૂલની સામે પ્રતિભા રો હાઉસમાં રહેતા નોકરીયાત સંદીપ હસમુખભાઈ પટેલની સ્વીફ્ટ ડિઝાયર કાર 20મી ઓગસ્ટની રાત્રે અજાણ્યા ચોરી ગયા છે. 24 કલાકમાં શહેરમાં 3 ઠેકાણેથી સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી થતાં પોલીસ ચોંકી ગઈ છે. શહેરમાં સ્પેશ્યિલ સ્વીફ્ટ ડિઝાયર કાર જ ચોરતી ટોળકી સક્રિય થયું છે, ત્યારે પોલીસે આ ચોર ટોળકીને ઝડપી પાડવા રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે.