સુરત(Surat) : ડિંડોલીમાં (Dindoli) ગોપાલ મટકા ચાની (Gopal Matka Chai) દુકાનમાં (Shop) રૂ.12800નું બીલ (Bill) નહીં ભરતા ડીજીવીસીએલ (DGVCL) કંપની (Company) દ્વારા કનેકશન (Connaction) કાપી નાંખવામાં આવ્યું હતું. ત્યારે ગોપાલ ચાના સંચાલકે ડીજીવીસીએલ કંપનીના કર્મચારીનો મોબાઇલ ઝૂંટવી લઇને મારામારી કરી હતી, જેને લઇને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચા સંચાલકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ભીમરાડ રોડ ઉપર શીવ સોમેશ્વરા એન્કલેવમાં રહેતા બળવંતભાઇ પોપટભાઇ ગોહિલ ડીજીવીસીએલ કંપનીમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કંપનીમાં ડિસકનેકશનની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં કંપની દ્વારા ડિંડોલી વિસ્તારમાં જે લોકોએ વીજળી બીલના રૂપિયા ભર્યા ન હોય તેઓના કનેકશન રદ્દ કરવાનું કામ થઇ રહ્યું હતું. કંપનીએ લિંબાયતના અનધ એન્ટરપ્રાઇઝમાં ગોપાલ મટકા ચાની દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંના સંચાલક ગોપાલભાઇએ રૂા. 12800નું બીલ ભર્યું ન હતું.
લાઇનમેન અને ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ અધિકારીઓ વીજળીનું કનેકશન કાપી નાંખ્યું હતું, ત્યારે ત્યાં ડિંડોલીમાં રહેતો ગોપાલભાઇ દૂધનાથ યાદવ આવી ગયો હતો. ગોપાલે ડીજીવીસીએલ કંપનીના સંચાલકોની સાથે ગાળાગાળી કરી હતી. અને રૂપિયા ભર્યા વગર જ વીજ કનેકશન શરૂ કરી દેવાનું કહીને ડીજીવીસીએલના કર્મચારીનો મોબાઇલ ઝૂંટવી લેવાયો હતો. બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ગોપાલ યાદવની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પ્રઘાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર વડોદરાના યુવકની ધરપકડ
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખો રૂપિયાની ઠગાઇ કરવાના ગુનામાં સલાબતપુરા પોલીસે વડોદરાના યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા યુવકે વડોદરામાં પણ લોનના નામે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે અને તેની સામે ચાર જેટલી ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ એક વર્ષ પહેલા સલાબતપુરાના આંજણા વિસ્તારમાં સુરત મનપા દ્વારા તૈયાર કરાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ અપાવવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ થઇ હતી. મુળ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના વતની અને વડોદરામાં મકરપુરા રેલવે સ્ટેશનની બાજુમાં તુલસી ગ્રીન સોસાયટીમાં રહેતા નિલ્કેશ કૃષ્ણકાંત દેસાઇએ અધિકારીઓની સાથે સારી ઓળખાણ હોવાની લોભામણી વાતો કરીને રૂા. 2.50 લાખથી વધુની ઠગાઇ કરી હતી. જો કે, બાદમાં કોઇ આવાસ નહીં મળતા મામલો સલાબતપુરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે નિલ્કેશની સામે ગુનો નોંધી તપાસ કરી હતી. પાંચ મહિના બાદ પોલીસ નિલ્કેશની ધરપકડ કરી સુરત લઇ આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે નિલ્કેશની સામે વડોદરામાં પણ લોનના બહાને ઠગાઇ કરવાની ચાર ફરિયાદો નોંધાઇ છે, નિલ્કેશે લોભામણી વાતો કરીને અનેક લોકો સાથે લાખોની ઠગાઇ કરી હોવાની શક્યતા છે. જેને લઇને નિલ્કેશની પુછપરછ શરૂ કરવામાં આવી છે.