SURAT

સુરતમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન, તેજસ્વી વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવ્યું

સુરત : સુરતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (Department of Women and Child Development) તેમજ જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ કાર્યક્રમ (Nari Vandan Utsav Program) યોજાયો હતો. સપ્તાહના દ્વિતીય દિવસે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમ હેઠળ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થિનીઓને (Brilliant students) સન્માનિત કરાઈ હતા. સમગ્ર જિલ્લાની ધો.10 અને 12 માં સૌથી વધુ માર્કસ મેળવનારી ટોપ 10 દિકરીઓનું પ્રશસ્તિ પત્ર અને DBT(ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) મારફતે રૂ. 5000નાં પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માન કરાયું હતું.

  • સ્મિતાબેન પટેલે મહિલાને લગતી મહિલાલક્ષી યોજનાઓ અને પહેલો વિશે જાણકારી આપી હતી
  • સમગ્ર જિલ્લાની ધો.10 અને 12 માં સૌથી વધુ માર્કસ મેળવનારી ટોપ 10 દિકરીઓનું સન્માન કરાયું
  • દિકરીઓનું પ્રશસ્તિ પત્ર અને DBT મારફતે રૂ. 5000નાં પ્રોત્સાહક ઈનામ અર્પણ કરાયું

આ પ્રસંગે જિલ્લાની 20 તેજસ્વી દિકરીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીએ મહિલાઓના આર્થિક, સામાજિક અને શારીરિક ઉત્થાન માટે શરૂ કરેલા ‘નારી વંદન ઉત્સવ’ અને તેનાં લાભો વિષે સમજ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ‘નારી તું નારાયણી’ની ઉક્તિને પરિપૂર્ણ કરી વિવિધ ક્ષેત્રે દેશનું નામ રોશન કરતી તેમજ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં તેમના સવિશેષ યોગદાનના પ્રેરણાત્મક કિસ્સાઓ વાગોળ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ આધુનિક યુગની તમામ દિકરીઓને સાહસિક બની સ્વરક્ષણ કરવા સક્ષમતા કેળવવાનો અનુરોધ પણ કર્યો હતો.

સ્મિતાબેન પટેલે મહિલાને લગતી યોજનાઓ અને પહેલો વિશે જાણકારી આપી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દિકરીઓ તેમજ વાલીઓને ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલે મહિલાને લગતી યોજનાઓ અને પહેલો વિશે જાણકારી આપી હતી. જેમાં તેમણે મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ, વ્હાલી દીકરી યોજના, નારી સંરક્ષણ ગૃહ, પી.બી.એસ.સી સેન્ટર સહિતની મહિલાલક્ષી યોજનાઓ અને પહેલો વિશે જાણકારી આપી બહુઆયામી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી બી.જે.ગામીત, મહિલા-બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top