સુરતમાં વધતી ગરમી અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ તંત્રે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જિલ્લા શિક્ષણ અધિકારી Bhagirathsinh Parmar દ્વારા શહેરની તમામ શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને લૂ અને હીટસ્ટ્રોકથી સુરક્ષિત રાખી શકાય. અસહ્ય ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે બાળકોનું શાળામાં વિશેષ ધ્યાન રાખવાની પહેલ પણ તેમણે કરી છે, તેમણે તાપમાં બાળકોને મેદાનમાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડે એવી પ્રવૃતિઓના કરાવવામાં આવે એ માટે પણ ખાસ સલાહ આપી છે.
નવી માર્ગદર્શિકા મુજબ, તમામ શાળાઓમાં મેદાનમાં થતી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પીટી પિરિયડ સહિતની તમામ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હવે ફરજિયાત રીતે ક્લાસરૂમની અંદર જ યોજવી પડશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને તડકાથી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિવાય શાળાઓને ક્લાસરૂમમાં પંખા સહિતની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે, જેથી અંદરનું વાતાવરણ ઠંડુ અને અનુકૂળ રહે. સાથે જ વિદ્યાર્થીઓને હીટવેવ વિશે જાગૃત કરવા અને જરૂરી સમજણ આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
ડ્રેસ કોડમાં પણ રાહત આપવામાં આવી છે. જે શાળાઓમાં બ્લેઝર ફરજિયાત હોય, ત્યાં જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને બ્લેઝર પહેરવાથી મુક્તિ આપવા સૂચના આપવામાં આવી છે, જેથી તેઓ આરામદાયક રીતે અભ્યાસ કરી શકે. આ ઉપરાંત, રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ જેવા કુદરતી પીણાં આપવાની અને વારંવાર પાણી પીવા પ્રોત્સાહિત કરવાની સૂચના છે, જેથી ડીહાઈડ્રેશન ટાળી શકાય. વિદ્યાર્થીઓની તાત્કાલિક આરોગ્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક શાળામાં એક નોડલ ઓફિસર નિમવામાં આવશે, જે હીટસ્ટ્રોક જેવા લક્ષણો દેખાય તો તરત જ સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. આ માર્ગદર્શિકાથી સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.