સુરત: સુરત (Surat) એરપોર્ટના (Airport) વિસ્તરણ સામે એક પછી એક એરલાઇન્સ ફ્લાઈટ (Flight) સંખ્યા ઘટાડી રહી છે. ગો-ફર્સ્ટ (Go-First) પછી હવે એર ઇન્ડિયાએ દિલ્હી-સુરતની (Surat-Delhi) ડેઇલી ફ્લાઈટ સિવાયની બાકીની સાપ્તાહિક ફ્લાઈટ 9 માર્ચ સુધી રદ કરવાની જાહેરાત કરી પેસેન્જરોને રિફંડ (Refund) આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ (Tatagroup) દ્વારા એર ઇન્ડિયા ટેક ઓવર (Takeover) કરવામાં આવી એ પછી પ્રથમ વાર એક સાથે 32 ફ્લાઈટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. જેમાં દિલ્હી-સુરતની મોર્નિંગ ફ્લાઈટ સિવાયની ફ્લાઇટ્સ રદ કરી છે.
સપ્તાહમાં બે દિવસની સુરતથી ગોવા, ભુવનેશ્વર, કોલકાતા, દિલ્હીની ફ્લાઈટ રદ જાહેર થઇ છે અને એક દિવસની સુરત-ગોવાની ફ્લાઈટ પણ 9 માર્ચ સુધી રદ કરાઈ છે. ડોમેસ્ટિક એરલાઇન્સની ફ્લાઈટ પછી એર ઇન્ડિયાની ફ્લાઈટ સેમ રૂટ પર ચાલતી હોવાથી સરકારી એરલાઇન્સને પેસેન્જર ઓછા મળતાં હતાં. ટાટા ગ્રુપે આ તમામ ફ્લાઈટ રિ-શિડ્યુઅલ કરવાનું નક્કી કર્યું છે. સપ્તાહમાં બે દિવસ ચાલતી સુરત-ભુવનેશ્વર અને સુરત-કોલકાતાની ફ્લાઈટ 23,28 ફેબ્રુઆરી અને 2,7,9 માર્ચના રોજ રદ કરાઈ છે.
આજ દિવસો દરમિયાન દિલ્હી-સુરતની સપ્તાહમાં બે દિવસની ફલાઇટ પણ રદ થઈ છે. 27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત-ગોવા ફ્લાઈટ, 27 ફેબ્રુઆરી અને 6 માર્ચની દિલ્હી-સુરતની ફ્લાઈટ, આજ બે દિવસો દરમ્યાનની સુરત-હૈદરાબાદ ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ માત્ર દિલ્હી-સુરતની મોર્નિંગ ફ્લાઈટ ચાલુ રાખી છે. જોકે વી વર્કિંગ એરપોર્ટ ગ્રુપના અગ્રણીએ જણાવ્યું હતું કે એરલાઇન્સ આ ફ્લાઈટ સમર સિઝનમાં રિશિડ્યુઅલ કરશે. નવા સ્લોટ સાથે ફરી શરૂ થઈ શકે છે.