સુરત : ચોકબજાર (Chok Bazar) ખાતે આવેલી એક દરગાહ બાબતે સોશિયલ મીડિયામાં (Social Media) એક ફરતી થયેલી પોસ્ટના (Post) કારણે શહેરમાં વિવાદ ફેલાયો છે. આ પોસ્ટના કારણે શહેરની શાંતિ ડહોળાય તેમ હોવાથી પોલીસ (Police) પણ હરકતમાં આવી ગઇ છે. સુરત શહેરમાં ગઈકાલે સવારથી જ ચોકબજાર ખાતે આવેલી દરગાહ (Dargah) બાબતે એક પોસ્ટ ફરતી થઇ છે. આ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આ દરગાહ રાતોરાત ઊભી કરી દેવામાં આવી છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, દરગાહની આસપાસના જે પથ્થરો ફીટ કરવામાં આવ્યાં છે તે પથ્થરો પર લાગેલી સિમેન્ટ હજી પણ સૂકાઇ નથી તેનો અર્થ એ છે કે, આ દરગાહનું નિર્માણ હાલમાં જ કરવામાં આવ્યું છે.
- પોસ્ટ હીરા અને કાપડ બજારમાં ફરતી થતાં વાત દાવાનળની જેમ શહેરભરમાં ફેલાઇ ગઇ
- પોસ્ટથી કોમી એખલાસનું વાતાવરણ ડહોળાઇ તે પહેલા જ પોલીસ કમિશનર અજય તોમર હરકતમાં આવી ગયા
- રિપોર્ટમાં આ દરગાહ દોઢસોથી બસો વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું
આ પોસ્ટ હીરા અને કાપડ બજારમાં ફરતી થઇ હોવાથી આ વાત દાવાનળની જેમ શહેરમાં ફેલાઇ ગઇ હતી અને દરેકના મોબાઇલ ફોન સુધી આ પોસ્ટ ફોરવર્ડ થઇ ગઇ હતી. હાલમાં દેશમાં કેટલાક સ્થળોએ કોમી તણાવ ફેલાયો છે. પરંતુ સુરત શાંત શહેર છે અને અહીંના લોકો હળીમળીને રહે છે એટલે આ પોસ્ટથી કોમી એખલાસનું વાતાવરણ ડહોળાઇ તે પહેલા જ પોલીસ કમિશનર અજય તોમર હરકતમાં આવી ગયા હતા અને તેમણે તાત્કાલિક અઠવા પોલીસ પાસે આ મામલાનો રિપોર્ટ મંગાવ્યો હતો. અઠવા પોલીસે કરેલા રિપોર્ટમાં આ દરગાહ દોઢસોથી બસો વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે.
શું છે દરગાહનો ઇતિહાસ
તેમાં પોલીસ રીપોર્ટ અને આ દરગાહ વિશે જાણનાર કાદર વાડીવાલાએ જણાવ્યુંકે આ દરગાહ દોઢસોથી બસો વર્ષ જૂની છે. ભૂતકાળમાં લોકો હાલમાં જે મક્કાઇપૂલ છે ત્યાંથી હજ પઢવા માટે મક્કા જતા હતા. વર્ષો પહેલા અહીં કોઇ મુસ્લિમ ફકીર આલીમ મૃત્યુ પામતા અહીં તેમની દરગાહ બનાવવામાં આવી હતી. આ દરગાહ ગેબનશાહ વલી પીરની છે. અત્યાર સુધી આ દરગાહ ખૂણામાં હોવાથી કોઇનું ધ્યાન તેનાતરફ જતું ન હતું જ્યારે મેટ્રોના કામ માટે સર જેજે ટ્રેનિંગ સ્કૂલની દિવાલ તોડવામાં આવી ત્યારે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું.