સુરત: શહેરમાં જાન્યુઆરી (January) માસની શરૂઆતમાં અચાનક કોરોનાનું (Corona) સંક્રમણ વધવા માંડતા ત્રીજી લહેરે વેગ પકડી લીધો છે જો કે ઘણા ટુંકા સમયમાં ત્રીજી લહેર પર કાબુ મેળવવામાં સુરત મનપાનું આરોગ્યતંત્ર સફળ રહયુ હોય, એક સપ્તાહથી રોજે રોજ નોંધાતા કેસની સંખ્યમાં ઘટાડો નોંધાઇ રહયો છે. એક સપ્તાહ પહેલા 3500 સુધી પહોચી ગયેલા કોરોનાના રોજીંદા કેસ ઘટતા ઘટતા મંગળવારે 1004 થઇ ગયા છે. દરમિયાન રીકવરી રેટ પણ જડપથી વધી રહયો હોય 3490 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.
દરમિયાન મનપા દ્વારા થઇ રહેલા ટેસ્ટીંગમાં વધુ 28 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા જેમાં મનપાની સુમન શાળા-ઉધના, આઈ જી દેસાઇ શાળા, જે એચ અંબાણી શાળા, ઈંટરમીડ શાળા, અંકુર શાળા, રિલાયન્સ શાળા, એસ ડી જૈન શાળા, ડી આર બી કોલેજ, એસ વી પી કોલેજ, શારદા યતન શાળા, સ્ટેટ કોલેજ, એસ વી એન આઈ ટી કોલેજ તથા અન્ય શાળાઓ અને કોલેજના વિધાર્થીઓનો સમાવેશ થતો હોય આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવ્યા હતા. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 347 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્ય હતું.
શહેરમાં ત્રીજી લહેર પર કાબુ, પરંતુ આગામી પખવાડિયુ મહત્વપૂર્ણઃ મ્યુનિ. કમિશનર
શહેરમાં ડિસેમ્બર મહિનામાંઓમિક્રોન વેરિયેન્ટની એન્ટ્રી બાદ સંક્રમણના દરમાં સતત વધારો જોવા મળ્યો હતો. અને ત્રીજી લહેર પુરજોશમાં આગળ વધી હતી એક તબક્કે માત્ર સુરત શહેરમાં એક જ દિવસે ૩૫૦૦થી વધુ કેસો નોંધાયા હતા જો કે છેલ્લા એક સપ્તાહથી સંક્રમણના દરમાં આંશિક ઘટાડો થતાં વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ત્રીજી લહેરની મહામારી પર આંશિક રીતે અંકુશ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી છે. જો કે, નાગરિકોને હજી પણ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાની સાથે સાથે સાવચેત રહેવા માટે તેઓએ અપીલ કરી હતી. હાલ સતત ઘટી રહેલા કેસો વચ્ચે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં વેક્સીનેશનમાં સુરત મહાનગર પાલિકાની કામગીરી પ્રશંસનીય રહેવા પામી છે. હાલ સુરત શહેરમાં પહેલા ડોઝમાં ૧૧૮ ટકા જ્યારે બીજા ડોઝમાં ૯૦ ટકાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિવાય ૧૫થી ૧૮ વર્ષના બાળકોમાં પણ ૮૫ ટકાથી વધુ વેક્સીનેશનનો ટાર્ગેટ હાંસલ કરી લેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વેક્સીનેશન કોરોના મહામારી સામે અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જોકે હજુ એક પખવાડીયુ સુરત માટે મહત્વનું હોય લોકોને સાવચેત રહેલા અનુરોધ કર્યો હતો.