સુરતઃ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો જેનાથી હાંફી રહ્યા છે તે કોવિડ (Covid-19)ની ત્રીજી લહેર (Third wave) વિશ્વના 100થી વધારે દેશોમાં શરૂ થઈ છે. ત્યારે સુરત (Surat)માં ત્રીજી લહેરની પ્રારંભ થઇ ચૂકી છે. શહેરના જાણીતા તબીબો ડો સમીર ગામી અને ડો અશ્વિન વસાવા મારફત આ વિગતો જાણવા મળી રહી છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેમાં જૂના જે ચિન્હો જોવા મળતા હતા તેજ છે. તેમાં અત્યાર સુધી નવુ મળી રહ્યું નથી. બુધવારથી આ કેસો ખાનગી ક્લિનિકોમાં ખાસ કરીને જોવા મળી રહ્યા છે.
હાલમાં આ કેસની સંખ્યા 30 જેટલા પ્રતિદીન હોવાની આશંકા છે. ડો. સમીર ગામી મારફત આ વિગત જાણવા મળી છે. તેમણે જણાવ્યું કે લોકો હળવા મૂડમાં આવી જતા આ વધારો જોવા મળ્યો છે. આવતા દસ દિવસમાં શહેરમાં કોવિડનો ચમકારો જોવા મળેતો નવાઇ લગાડવા જેવુ રહેશે નહી. જોકે આ બાબતે વધારે સ્પષ્ટીકરણ આવનાર પખવાડિયામાં જ થઈ જશે. અને એટલે જ તંત્ર પાછલા બારણે ત્રીજી લહેરની તૈયારીઓ કરવામાં મંડી પડ્યું છે. ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે પેટ-માથામાં દુઃખાવો, શરદી-ખાસી થતા હોય છે ત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શનના વધતા કેસો ત્રીજી લહેરના સંકેત આપી રહ્યા છે. જેથી લોકોએ સહેજ પણ નિષકાળજી દાખવ્યા વગર ટેસ્ટ કરાવવા તબીબોનો અનુરોધ છે.
આવતા પખવાડિયામાં ત્રીજી લહેરનું ચિત્ર સ્પષ્ટ થશે
નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિસીન વિભાગના ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, શહેરમાં ઓગસ્ટના બીજા સપ્તાહ પછી ત્રીજી લહેર શરૂ થાય તેવું અનુમાન છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી વાયરલ ઇન્ફેક્શનના જે પ્રકારના કેસ આવી રહ્યા છે. આ કેસને જોતા ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય તેવું લાગે છે. આવતા પખવાડિયામાં આ અંગે ચિત્ર વધારે સ્પષ્ટ થશે. અત્યારે વધારે કઈ કહી શકાય તેમ નથી. પણ લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
શહેરીઓ બેફામ બનતા શહેર ફરી કોવિડની વિપદામાં ફસાવાના એંધાણ
તંત્ર દ્વારા કોવિડને લઈને એક પછી એક ચેતવણીઓ આપવામાં આવી રહી છે. પરંતુ પ્રથમ અને બીજી લહેરમાં પણ કોવિડના વલણને તબીબો તે મેડિકલ સાયન્સ સમજી શક્યું નહોતું. અને કોરોના વધારે ઘાતક બન્યો હતો. હવે જ્યારે તંત્ર દ્વારા શહેરમાં ઓગસ્ટ મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અંગેની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં છેલ્લા અઠવાડિયામાં જે રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યા છે તે જોતા નવી સિવિલના તબીબોના મતે ત્રીજી લહેરની શરૂઆત હોવાનું અનુમાન છે. જો આ વાત સાચી ઠરી તો ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં નહીં પણ ઓગસ્ટના પ્રથમ કે બીજા સપ્તાહમાં જ ઉથલો મારશે. અને હોસ્પિટલો ઉભરાતી જોવા મળશે. છેલ્લા એખ મહિનામાં લોકો જે રીતે બેજવાબદારી પૂર્વક હિલસ્ટેશનો ઉપર, બીચ ઉપર, બજારોમાં, મોલમાં ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરી માસ્ક વગર પણ ફરતા દેખાઈ રહ્યા છે. જે ત્રીજી લહેરને વહેલા આગમન થવા માટેની નિશાની છે.
અત્યારે શહેરની ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકમાં વાયરલ ઇન્ફેક્શનની ફરિયાદ લઈને આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવા કેસો કોવિડના પણ હોવાની સંભાવનાઓ છે. જેથી લોકોએ માત્ર હળવેથી લીધા વગર થોડી પણ શંકા હોય તો કોવિડ ટેસ્ટ કરાવવો વધારે હિતાવહ છે. જો લોકો અવેર રહેશે તો ત્રીજી લહેરને રોકવામાં મહદઅંશે સફળતા મળી શકશે.
બીજી લહેરની કરૂણ ઘટનાઓ લોકો ભૂલી ગયા!
લોકો બીજી લહેર વખતે શહેરમાં બનેલી કરૂણ ઘટનાઓ જાણે ભૂલી ગયા છે. અત્યારે હિલસ્ટેશનો ઉપર હોટલો ઉભરાઈ રહી છે. આવનાર દિવસોમાં હોસ્પિટલો ઉભરાતી દેખાશે. હજી ગણતરીના દિવસો જ થયા છે જ્યારે લોકોએ હોસ્પિટલોમાં, રસ્તા પર, સ્મશાનઘરોની બાહર લાઈનો જોઈ હતી. ઇન્જેક્શન મેળવવા માટે, ઓક્સિજન માટે કેવી રીતે લાઈનો લગાવી પડી હતી. આ ઘટનાઓ જો લોકો ભૂલી રહ્યા હોય તો ફરી એક વખત યાદ કરવાની જરૂર છે. અને જો આ ઘટનાઓ યાદ નહીં આવે તો ફરી આ દ્રશ્યો ટૂંક સમયમાં જોવા મળી શકે છે.
કોરોના થઈને જતો રહ્યો છતાં ખબર નહીં પડતા પોસ્ટ કોવિડના લક્ષણો
શહેરમાં ઘણા ખરા કિસ્સામાં લોકોને છેલ્લા એકાદ મહિનામાં પેટમાં દુઃખાવો, તાવ આવવો, અને માથામાં દુઃખાવો, અશક્તિ લાગવી એવા લક્ષણો જોવા મળ્યા છે. આ એવા લોકો છે જેમને હજી સુધી કોરોના થયો નથી. હવે જ્યારે આ લોકો બ્લડ સેમ્પલથી લઈ કોરોના ટેસ્ટ કરાવે છે તો તમામ રિપોર્ટ નોર્મલ આવી રહ્યા છે. પછી ખબર પડે છે કે આ લોકોને કોરોના થઈને જતો રહ્યો છે. પરંતુ કોરોના થયો તે સમયે પણ તેમને કોઈ લક્ષણો કે તકલીફ જણાયા નહોતા. હવે આવા કેસ વધતા તબીબો પણ આશ્ચર્ચમાં મૂકાયા છે. અને તબીબોએ આને ત્રીજી લહેરની પ્રારંભના સંકેત હોઈ શકે તેવું તારણ કાઢ્યું છે.