ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના નવજાતશીશુનો સમાવેશ થાય છે, જો કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પરવટ પાટિયાના 7 મહિનાના બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બેગમપુરાની 40 વર્ષીય મહિલાને પણ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતી. મગોબના 78 વર્ષીય વૃદ્ધને મિશનમાં ખસેડવામાં આવ્યા છે. પૂણાના 55 વર્ષીય પુરૂષને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે. ગોપીપુરાના 52 વર્ષીય પુરૂષને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર પાટિયાના 67 વર્ષીય વૃદ્ધને પણ મિશનમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વીઆઇપી રોડની આઠ વર્ષની બાળકીને મીશનમાં ખસેડવામાં આવી છે જો કે, તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. શંકાસ્પદ દર્દી તરીકે શેલ્બીમાં દાખલ થયેલા પીપલોદના 64 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જ્યારે રામપુરાના 27 વર્ષીય યુવાનને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતો.તો બીજી તરફ શહેરમાં કોરોના સામે લડી રહેલા તંત્ર દ્વારા હવે સ્થાનિક સંક્રમણ સામે વધુ ચુસ્ત બનવા માટે જે વિસ્તારમાંથી પોઝીટવ કેસ મળે છે. તે વિસ્તારમાં લોકોના રેન્ડમલી સેમ્પલ લઇને ચકાસણી ચાલુ કરી છે. જેથી જેનામાં કોઇ લક્ષણ ના દેખાતા હોય તે પણ કોરોના પોઝિટિવ હોય તો સમયસર પગલા ભરી શકાય. આ ગોઠવણ અંતર્ગત સોમવારે રાંદેરના સિદ્દીકી સ્કવેરની આસપાસના વિસ્તારમાંથી 95 સેમ્પલ લઇને અમદાવાદ ચેકઅપ માટે મોકલી અપાયા હતા. હવે મંગળવારે ઝાંપાબજાર-બેગમપુરા વિસ્તારમાંથી આ રીતે રેન્ડમલી સેમ્પલ લેવાશે. જો કે હવે તેના ચેકઅપ માટે સ્થાનિક સ્તરે જ વ્યવસ્થા થઇ ચુકી છે.