સુરત: સુરત (Surat) શહેરના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટને કોલસો પૂરો પાડી રહેલા મગદલ્લા પોર્ટે સમગ્ર વિસ્તારને કાળો મેસ કરી નાંખ્યો છે. પ્રતિદિન 700થી વધુ ટ્રકોની (Truck) આવનજાવનને કારણે શહેરના રસ્તાઓની પણ હાલત બદતર થઇ ગઇ છે.
સુરત શહેરની ટેક્સટાઇલ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીને કોલસો પહોંચાડતા મગદલ્લા પોર્ટે આખા શહેરની ખૂબસૂરતી ઉપર કાળી મેસ ચોપડી દીધી હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. સુરત મહાનગરપાલિકા એરપોર્ટથી ડુમસ અને ઉધના મગદલ્લા રોડનું બ્યુટિફિકેશન કરી શહેરની શાનમાં ચાર ચાંદ લગાવવા મથામણ કરે છે. પણ મનપાના આ પ્રયાસો વચ્ચે મગદલ્લા પોર્ટ સુરતની ખૂબસૂરતી ઉપર કાળી ટીલ્લી સમાન સાબિત થઇ રહ્યું છે. મગદલ્લા પોર્ટનાં સૂત્રોનું માનીએ તો મગદલ્લા પોર્ટ ઉપર વર્ષે દહાડે અધધ…પચાસ લાખ ટન કોલસો ઊતરે છે. આ કોલસાને પોર્ટના ગોદામ ઉપરથી અલગ અલગ ઇન્ડસ્ટ્રીને મોકલવા માટે રોજની 700થી વધુ ટ્રકોની આવનજાવન છે. જેને લઇને આસપાસના વિસ્તારના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મગદલ્લા પોર્ટ ઉપર ઊતરતા કોલસાને લઇ સુરત શહેરની તાપી નદીને પણ પ્રદૂષણની વ્યાપક અસર થઇ રહી છે. તાપી નદી અને અરબી સમુદ્રના મુખમાં પણ પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. આ અંગે શહેરના પયાર્વરણીય શાસ્ત્રીઓએ અવારનવાર રજૂઆતો કરી હતી. પરંતુ સ્થાનિક લોકોના આરોગ્યના ભોગે પોર્ટ ઉપર બેરોકટોક કોલસો ઊતરી રહ્યો છે. અને તેની સમાંતરે ચાર ગણી સ્પીડે રોજ વહન પણ થઇ રહ્યો છે. કોલસાને વહન કરવા માટે પોર્ટ ઉપરથી પસાર થતી ટ્રકો ઉપર નજર ફેરવો તો ખબર પડે કે જાડી ચામડીના સરકારી તંત્રએ કોલસાના વહન માટે કોઇ નિયમ બનાવ્યા છે કે નહીં? મગદલ્લા પોર્ટ ઉપરથી પસાર થતી કોલસા ભરેલી ટ્રકો પૂરેપૂરી તાડપત્રીથી ઢાંકેલી પણ નથી હોતી. જ્યારે જે ટ્રકો ઉપર તાડપત્રી પાથરેલી જોવા મળે છે તે પણ તૂટેલીફૂટેલી હોય છે. જેને લઇને મગદલ્લા પોર્ટ ઉપરથી કોલસા ભરી પસાર થતી ટ્રકો આખા રસ્તે કોલસાની ભૂકી વેરતા વેરતા જાય છે. જેને લઇને મગદલ્લા પોર્ટથી લઇને ઉધના-મગદલ્લા રોડ ઉપર ઠેર ઠેર સડકના કિનારે કાળી મેસની ચાદર છવાઇ જાય છે. કોલસાના વહનમાં કેટલાક ટ્રાન્સપોર્ટર સરાજાહેર કાયદાઓનો ભંગ કરે છે. પરંતુ કમનસીબીએ છે કે, એકપણ સરકારી વિભાગ કોલસા વહન કરનારા ટ્રાન્સપોર્ટરને કાયદાનું ભાન નથી કરાવી શકતું. જેને લીધે ખૂબસૂરત સુરતની તસવીર બગડી રહી છે.
પોર્ટ ઉપર વરસે સાડા ચાર મિલિયન કોલસો ઊતરે છે
મગદલ્લા પોર્ટના ઓફિસર લાડવાએ કહ્યું હતું કે, મગદલ્લા પોર્ટ ઉપર વરસે સાડા ચાર મિલિયન કોલસો ઊતરે છે. કોલસો ઉતારવા અંગે જીપીસીબીના જે નોમ્સ છે તેનું પાલન થાય છે. પોર્ટ ઓફિસરના આ ખુલાસા વચ્ચે મગદલ્લા વિસ્તારની વાસ્તવિકતા કંઇક જુદી છે. પોર્ટથી લઇને છેક બહાર મેઇન રોડ ઉપર ઠેર ઠેર કોલસો વેરાયેલો જોવા મળે છે. પરંતુ તેમ છતાં પોર્ટ ઓફિસર જીપીસીબીના કાયદા પાલનની દુહાઇ દઇ વાસ્તવિકતા છુપાવી રહ્યા છે.
માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકોને પોલીસ પણ કાબૂમાં નથી રાખતી
મગદલ્લા પોર્ટ ઉપરથી ઓએનજીસી હજીરા રોડ ઉપર તેમજ વીઆર મોલથી ઉધના-મગદલ્લા રોડ ઉપરથી છેક પાંડસેરા અને સચિન સહિતના વિસ્તારોમાં ટ્રકો બેફામ પસાર થાય છે. પરંતુ સ્થાનિક પોલીસ પણ આ ટ્રકોને કાયદાનું પાલન નથી કરાવતી. આરટીઓ પણ આવી ટ્રકો સામે કડક પગલાં નથી ભરતી. જેને લઇને કોલસા વહન કરનારા ટ્રાન્સપોર્ટરોને છૂટથી ટ્રકો દોડાવવાની મોકળાશ મળી રહી છે. આગામી દિવસોમાં કોલસાને કારણે આ વિસ્તારને થઇ રહેલા નુકસાન અંગે વધુ ઘટસ્ફોટ કરાશે.