સુરત: સીંગણપોર વિસ્તારમાં ઈમારતમાં આગ (Fire) લાગવાની ઘટના બાદ ફરી એકવાર મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે. તક્ષશીલા અગ્નિકાંડમાં જ્યારે કોમ્પલેક્સમાં આગ લાગી હતી ત્યારે ધાબા પર જવાનો રસ્તો લોક (Lock) હતો જેના કારણે બાળકોને નીચે કૂદવાનો વારો આવ્યો હતો અને આગના ધુમાડામાં બાળકો ગુંગળાઈને મર્યા હતા. ત્યારે પણ મનપાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને હવે ફરીવાર સીંગણપોરમાં આગની ઘટના બની તેમાં પણ ટેરેસનો દરવાજો લોક હતો. જેથી મનપા હવે સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જે ઈમારતોના ધાબા લોક હશે તે ઈમારતોને સીલ મારવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુમાં મનપા તંત્ર દ્વારા પબ્લિક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને તેમાં જણાવ્યું છે કે, શહેરની તમામ ઇમારતોનાં વપરાશકર્તાઓએ જો ફાયર એન.ઓ.સી. અને બીયુસી ના હોય તો તાકીદનાં ધોરણે મેળવી લેવાના રહેશે અને સક્ષમ અધિકારીને રજુ કરવાના રહેશે. હાઇકોર્ટના જણાવ્યાનુસાર જો ઇમારતોમાં ફાયર સેફટી એન.ઓ.સી. અને બીયુસી ના હોય તો તેઓ વિરૂધ્ધ સિલિંગ, ડ્રેનેજ કનેકશન તેમજ પાણી કનેકશન કાપવા જેવી સખત કાર્યવાહી કરાશે અને જો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો ફાયર એકટની કલમ અનુસાર પોલીસ ફરીયાદ પણ દાખલ કરાશે.
આમ હવે શહેરમાં લોકો પોતાની ઈમારતો કે બિલ્ડિંગના ધાબા લોક કરીને રાખી શકશે નહીં. એ વાત અલગ છે કે લોકો ચોરી ન થાય કે અન્ય સેફ્ટી પર્પઝથી ધાબા લોક રાખતા હોય શકે પરંતુ જ્યારે વાત આગથી સુરક્ષાની છે તો તેના માટે લોકોએ ધાબાનો વિકલ્પ ખુલ્લો રાખવો પડશે. જેથી ઇમરજન્સીના સમયે લોકોને ટેરેસ પરથી રેસક્યુ કરી શકાય.
શહેરમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આગની ઘટની વધી
ફાયર વિભાગ પાસે પ્રાપ્ત પાછલાં વર્ષનાં ફાયર કોલની વિગતો જોતાં સામાન્યતઃ માર્ચથી જુન મહિનાની આસપાસ ફાયરની ઘટનાઓ અને ફાયર કોલની સંખ્યા વધુ પ્રમાણમાં નોંધાઈ છે. જેથી મનપા દ્વારા તાકીદ કરાઈ છે કે, ઈમારતની ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત છે કે નહી ? તે ચકાસી લેવી તેમજ ફાયર ફાઇટિંગ સિસ્ટમની યોગ્ય સર્વિસ કરાવી લેવી અને ફાયર સેફટી સાધનોની યોગ્ય ચકાસણી કરાવી લેવી. વધુમાં, આગ લાગવાનાં કારણોમાં મોટાભાગે શોર્ટસર્કિટ કારણભૂત હોવાથી તમામ ઇલેકટ્રિકલ્સ ફિટિંગ્સ, જોઇન્ટસ, વાયર કનેકશન વિગેરે શોર્ટસર્કિટની સંભાવના ના હોય તે સુનિશ્ચિત કરી લેવી. આ ઉપરાંત યોગ્ય લોડ ફેકટર આપનાં પાવર કનેકશનમાં ઉપલબ્ધ છે કે કેમ? તેની ખાતરી ઇલેકટ્રિકલ કોન્ટ્રાકટર મારફત કરાવી લેવાની રહેશે. જેથી કરીને ઓવરલોડિંગ તેમજ હિટિંગનાં કારણે આગનાં બનાવો ન બને.