સુરત: સુરતના ચોક બજાર(Chowk bazar) વિસ્તારમાંથી એક ચોંકાવનારી(Shocking) ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને ઇન્સ્ટાગ્રામ(Instagram)ની મદદથી ફસાવી 3 ઇસમોએ વારંવાર દુષ્કર્મ(Rep) આચર્યું હતું. બનાવની જાણ થતાં 3ની ધરપકડ કરવામાં આવી છે. સુરતથી તમામ માતાપિતા માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે.
હાલના સમયમાં યુવાનોમાં સોશિયલ મિડીયાનો ક્રેજ ખૂબ વધ્યો છે, તેમાં પણ ઇન્સ્ટાગ્રામ તેના ફીચરોના કારણે લોકપ્રિય બન્યું છે. ત્યારે ફોલોવર્સ વધારવાના ચક્કરમાં યુવાનો અજાણ્યા લોકોને રિકવેસ્ટ મોકલી આપે છે અને રિકવેસ્ટ સ્વીકારી પણ લે છે. ક્યારેક આ રીતે અજાણ્યા લોકો સાથેની વાતચીત મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવો જ એક કિસ્સો ચોક વિસ્તારમાંથી સામે આવ્યો છે.
સુરતના ચોક વિસ્તારમાં મૂળ બોટાદની 38 વર્ષીય મહિલા પોતાની દીકરી સાથે રહે છે. આ 13 વર્ષીય દીકરીની મુલાકાત અભય બોરડ નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ હતી. પોતાની વાતોમાં ફસાવી ઇસમે દીકરીનો નંબર મેળવી વોટ્સેપ ઉપર વાતો શરૂ કરી હતી. વધુ મિત્રતા કેળવી સગીરાને ફરવાના બહાને ઇસમે વી.આર. મોલ નજીકની અવાવરુ બિલ્ડિંગમાં દીકરીને લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મકાનમાં લઈ ગયા બાદ અભય બોરડ દ્વારા પોતાના મિત્રને કોલ કરી ત્યાં બોલાવી લેવામાં આવ્યો હતો. જ્યાં તેના મિત્રએ પણ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ યુવકના ત્રીજા મિત્રએ પણ સગીરા પાસે રૂપિયાની માંગણી કરી મોબાઇલમાં તેણીના બીભત્સ ફોટા હોવાની વાત કરી બ્લેકમેલ કરી હતી. જે બાદ ત્રીજા મિત્ર દ્વારા પણ સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સગીરા 19 સપ્ટેમ્બરના રોજ ઘરે મોડી પહોંચી હતી. માતા-પિતાએ તે સગીરાની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
માતાએ કરેલી પૂછપરછમાં સગીરાએ જણાવ્યુ કે તે 10 માસ પહેલા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અભય બોરડના સંપર્કમાં આવી હતી અને ફરવા લઈ જવાના બહાને ઈસમએ વી.આર. મોલ નજીક સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. સગીરાની આ વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ બનાવ અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અભય બોરડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.