સુરત: શહેર (surat)માં કોરોનાકાળમાં અનેક પરિવારોએ તેમના સ્વજન ખોયા છે. જેમાં ઘણા બાળકો (child)એ માતા-પિતા (parents) તો ઘણાએ બે પૈકી એકને ગુમાવ્યા છે. આવા બાળકોને જો ભરણપોષણની જરૂર હોય તો તે માટે તેમના પરિવાર (family)ના પડખે મહિલા અને બાળમિત્ર સેલ ઉભા છે. મોરાભાગળ ખાતે રહેતા આવા જ એક બાળકે તેના પિતા ગુમાવતા આઘાતમાં પેરાલીસીસ (paralysis)માં બંને આંખ ત્રાસી (eyes cross) થઈ ગઈ છે. બાળકની આંખની સારવાર અને ભરણપોષણની જવાબદારી સુરત મહિલા અને બાળમિત્ર દ્વારા ઉપાડવામાં આવી છે.

શહેરના મોરાભાગળ ખાતે હાલ તેમના પિયરમાં રહેતા તન્વીબેનના પતિ પ્રકાશભાઈ રોઠોડનું કોરોનામાં મોત થયું હતું. તેમને સંતાનમાં 10 વર્ષીય પુત્ર શુભમ છે. તન્વીબેનના સાસુ સવિતાબેનનું પણ કોરોનામાં મોત થયું હતું. ઘરમાં કોઈ નહીં રહેતા નિરાધાર બનેલા તન્વીબેન તેમના પુત્રને લઈને પિયર રહેવા જતા રહ્યા હતા. પતિના મોત બાદ તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. આ વાતની જાણ સુરત મહિલા અને બાળમિત્રને થતા આજે તેમના ઘરે મહિલા અને બાળમિત્રના કોઓર્ડિનેટર પિયુશકુમાર શાહ, સહ કોઓર્ડિનેટર મંજુલાતાબેન જૈન તથા સભ્ય હેતલબેન નાયક પહોંચી ગયા હતા. તેમની સમસ્યાઓ જાણી હતી. અને તેઓ પાસે આવકનો કોઈ શ્રોત ના હોવાથી આવક માટેની વ્યવસ્થા કરી આપવાની જવાબદારી ઉપાડી લીધી હતી. પિતાના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર 10 વર્ષીય શુભમને પેરેલીસીસનો હુમલો આવ્યો હતો. જેને કારણે બાળકની આંખો ત્રાસી થઈ ગઈ છે. તેની સારવાર કરાવી શકે તેમ ન હોવાથી તેની સારવાર નિષ્ણાંત આંખના ડોક્ટર પાસે કરાવવાની જવાબદારી પણ મહિલા અને બાળમિત્રએ ઉઠાવી લીધી છે. આ ઉપરાંત જે પણ કોઇ સરકારી સહાયની યોજના હશે તેનું માર્ગદર્શન પણ સુરત મહિલા અને બાળમિત્ર દ્વારા આપવામાં આવશે અને શક્ય હશે તો સહાય અપાવવામાં પણ મદદરૂપ બનશે.

કોરોનામાં અનાથ થયેલા બાળકોના પડખે પોલીસનો સુંદર અભિગમ
સીઆઇડી ક્રાઇમ વુમનસેલના ડીજી અનીલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની સુચના અને માર્ગદર્શનથી સુરત મહિલા અને બાળમિત્ર દ્વારા 0 થી 18 વર્ષના બાળકના માતા-પિતા બંને અથવા એક વાલી કોરોનાને કારણે મરણ ગયા હોય તેવા પરિવારની મુલાકાત લઈ તેઓને કોઈ પણ પ્રકારની ગુજરાન ચલાવવા, ભરણપોષણ તથા શિક્ષણ બાબતની સમસ્યા સતાવતી હોય તો પોલીસ વિભાગ તેઓની સમસ્યાઓના નિવારણ માટે તેવા પરિવારની પડખે ઉભા છે.
